સિદ્ધપુર : કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં બે દિવસીય માતૃવંદના ઉત્સવ - 2023 કાર્યક્રમ
સિધ્ધપુરમાં બે દિવસીય સંગીત સમારોહ
કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષતામાં સંગીત સમારોહનું આયોજન.
સાંસ્કૃતિક વિરાસત ઉજાગર થાય તેવા સનિષ્ઠ પ્રયાસ કરવા બદલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને દિલથી અભિવાદન આપું છું.-કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત.
મોર્નિંગ ન્યુઝ ફોકસ (માહિતી બ્યુરો, પાટણ) : ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના અંતર્ગત સિદ્ધપુરની ગોવર્ધન પાર્ક સોસાયટી મુકામે માતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે "માતૃ વંદના" ઉત્સવ-2023 ને ગોવર્ધન પાર્ક સોસાયટી મુકામે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયક રાજભા ગઢવીએ જોરદાર જમાવટ કરી હતી. સિદ્ધપુરવાસીઓ આજે રાજભા ગઢવીના તાલે ઝુમી ઉઠ્યા હતા. શ્રી રાજભા ગઢવી સાથે પાટણનું ગૌરવ એવાં ગાયક પૂજાબેન બારોટ પણ જોડાયા હતા.
આજરોજ સિદ્ધપુર મૂકામે કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની અઘ્યક્ષતામાં આયોજીત આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર અને કલાકારવૃંદ રાજભા ગઢવીએ પોતાના તાલે સિદ્ધપુરને પોતાના રંગે સિદ્ધપુરવાસીઓને રંગી દીધા હતા. ઐતિહાસિક સિદ્ધપુર અને એમાંય રાજભા ગઢવીના સુપ્રસિદ્ધ ડાયરો...! તેમના આવજે આજે સિદ્ધપુર નગરીને ચાર ચાંદ લાગી ગયા હતા. સિદ્ધપુર આજે જાણે ખરા અર્થમાં સુરોથી શણગાર થયો હોય તેવું લાગી રહ્યું હતુ. આવતીકાલે 09 ડિસેમ્બરના રોજ ગાયક કલાકાર સુશ્રી અભિતા પટેલ સુરોનો પ્રવાહ રેલાવશે.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે સંબોધન કરતા જણાવ્યું હતું કે, સંસ્કૃતિની દ્રષ્ટિએ સિદ્ધપુર એ દેવોની ભૂમિ, પવિત્ર પાવન સ્થળ, માતૃશ્રાદ્ધ માટે દેશભરમાં જાણીતું છે. ઇતિહાસમાં માનવની ઉત્પત્તિ થઈ ત્યાર થી આજ સુધી સિદ્ધપુરની ભૂમિમાં માનવતા રહી છે. અહી મહર્ષિ કપિલમુનીએ માતાશ્રી દેવહુતીનું માતૃશ્રાદ્ર કરીને તેમને મોક્ષ અપાવ્યો હતો. એટલે જ કહેવામાં આવે છે કે સિદ્ધપુર થી સ્વર્ગ થી વેંત છેટું છે.
કેબિનેટ મંત્રીશ્રી વધુમાં જણાવતાં કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં માતૃત્વ માટેની પ્રખ્યાત ભૂમિમાં સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમ દ્વારા સાંસ્કૃતિક વિરાસત ઉજાગર થાય તેવા સનિષ્ઠ પ્રયાસ કરવા બદલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને દિલથી અભિવાદન આપું છું. આજે ઇકોનોમીની દ્રષ્ટિએ રાષ્ટ્ર આગળ વધી રહ્યો છે. આપનું પવિત્ર સરોવર બિંદુ સરોવરથી આસપાસના વિકાસ કાર્યો માટે પણ આયોજન થઈ રહ્યું છે. અહી એરપોર્ટ બને તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત, જીલ્લા પંચાયત અધ્યક્ષશ્રી હેતલબેન ઠાકોર, નગરપાલિકા પ્રમુખશ્રી અનીતબેન પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી સોનલબેન ઠાકર, જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકી, નિવાસી અધિક કલેકટરશ્રી પ્રદિપસિંહ રાઠોડ, સંગઠનના અઘ્યક્ષશ્રી દશરથજી ઠાકોર, શ્રી નંદાજી ઠાકોર, શ્રી શંભુભાઈ દેસાઈ તથા બહોળી સંખ્યામાં નગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.