સુરત કોરોનાના કેસોને લઈ હાઈ એલર્ટ પર : IMA સુરતે ઓફલાઇન શાળાઓ બંધ કરવા કર્યો અનુરોધ

સુરત કોરોનાના કેસોને લઈ હાઈ એલર્ટ પર : IMA સુરતે ઓફલાઇન શાળાઓ બંધ કરવા કર્યો અનુરોધ

સુરતમાં કોરોના ના કેસો માં ઉછાળો.

સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં.

એક સંક્રમિત વ્યક્તિ ૧૦ વ્યક્તિઓને સંક્રમિત કરી શકે છે :  પાલિકા કમિશ્નર

 શાળાઓમાં વિદ્યાર્થીઓનું વેક્સિનેશન પૂરજોશમાં

બી.આર.ટી.એસ બસોમાં 50 ટકા મુસાફરો બેસી શકશે

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : સુરત શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના સંક્રમણ વધવાને કારણે કેટલાક ઝોનમાં ભયજનક સ્થિતિ દેખાતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. સુરત શહેરમાં હાલ આર નોટ ફેક્ટર 3 સ્તર ઉપર પહોંચી ગયું છે. જે ખૂબ જ જોખમી માનવામાં આવે છે. જેનાથી માલુમ પડે છે કે, સુરત શહેરમાં સંક્રમણનું પ્રમાણ કેટલું ઝડપથી ફેલાઈ રહ્યું છે. અત્યારની સ્થિતિ જોતા એક કોરોના સંક્રમિત વ્યક્તિ અન્ય 10 લોકોને રહ્યું હોવાનું તારણ બહાર આવ્યું છે. આ ઉપરાંત શાળામાં વિદ્યાર્થીઓમાં પણ પ્રકારનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે જો કે IMA દ્વારા શાળાઓ ઓફલાઈન બંધ કરવાની સલાહ પણ આપવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, સુરત શહેર હાલ હાઈ એલર્ટ ઉપર છે. આવનાર દિવસોમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળશે. જેને કારણે અમે ખૂબ સજાગતાથી કામ શરૂ કરી દીધું છે. પહેલા માત્ર છ હજાર જેટલા રોજના થતાં હતાં જેને વધારીને 14 હજાર ઉપર લઈ જવામાં આવશે. રિવર્સ ક્વોરન્ટીન રણનીતિનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં વધુ વયના લોકો કે, જેઓ સુગર, હાઈપરટેન્શન, કેન્સર કે અન્ય બીમારીઓથી પીડાતા હોય તેમને ઘરમાં જ રહેવા માટે સૂચના આપવામાં આવશે. કોરોના સંક્રમિત હોય કે ન હોય તેમણે પોતાના ઘરમાં જ રહેવું જોઈએ. કારણ વગર ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે.

સુરત શહેરની અંદર આરોગ્ય વિભાગ દ્વારા તમામ પગલાઓ લેવાનો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં વિશેષ કરીને હાલની સ્થિતિ જોતાં હવે જો દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેવા માટે દાખલ થાય તો તેના માટે તમામ અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે. જે કોરોના સંક્રમિત દર્દી સરકારી હોસ્પિટલમાં દાખલ થાય તો તેના માટેની તમામ સુવિધા અંગે અલગ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલ માટે અલગ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. શહેરમાં ઓક્સિજનના પ્રમાણ અને યોગ્ય જાળવી રાખવું તેના માટે પણ અધિકારીની અલગ નિમણૂક કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા તાત્કાલીક અસરથી સમગ્ર સ્થિતિને ધ્યાનમાં લેતા એક ટીમ તૈયાર કરવામાં આવી છે જે આગામી દિવસોમાં વધુ સક્રિય રીતે કામ કરશે.