સુરત : ઉધના સીટ પર ભાજપના ઉમેદવારનો હાઈટેક પ્રચાર : ઉત્તર ગુજરાતનો છે દબદબો
મનુભાઈ પટેલ ઉધના વિધાનસભાના ભાજપના છે ઉમેદવાર
સી.આર.પાટીલના છે ખાસ વિશ્વાસુ
સુરત શહેર ભાજપના છે ઉપ-પ્રમુખ
સી.આર.પાટીલની ચાંદીથી તુલા પણ કરી હતી
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરત વિધાનસભાની તમામ બેઠકો પર શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની જેમ દિવસે દિવસે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે આ વખતે ઉધના વિધાનસભા સીટ ઉપર ભાજપે ઉમેદવાર બદલ્યા છે અને વિવેક પટેલ ને બદલે મનુભાઈ પટેલ (ફોગવા) ને મેદાનમાં ઉતાર્યા છે.
મનુભાઈ પટેલ ભાઠેના વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા છે.એટલું જ નહીં તેઓ ફેડરેશન ઓફ વિવર્સના પૂર્વ પ્રમુખ પણ રહી ચુક્યા છે. ભાજપમાં જોડાયા બાદ મનુભાઈ પટેલે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનો વિશ્વાસ કેળવી તેમના નજીક ગયા હતા. પાટીલના ખાસ ગણાતા મનુભાઈ પટેલે એક સમયે સી.આર.પાટીલની ચાંદીથી તુલા પણ કરી હતી. અને હાલ તેઓ સુરત શહેર ભાજપના ઉપ-પ્રમુખ પણ છે. હાલમાં ઉધના વિધાનસભા સીટમાં મનુભાઈ પટેલ નો ઝંઝાવાતી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં તેમણે આ સીટ પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, " પાર્ટી એ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તેને જાળવી રાખવા માટે હું તન મન ધન થી પ્રયત્ન કરીશ. એટલું જ નહીં તેમણે જણાવ્યું હતું કે અહીંના મતદારો એ હંમેશા વિકાસ ને જ પ્રાથમિકતા આપનારા છે. ભાજપના શાસનમાં અહીં અનેક વિકાસકાર્યો થયા છે, ત્યારે અમે આ વિસ્તારના મતદારોની વચ્ચે માત્ર અને માત્ર વિકાસના મુદ્દાઓને લઈને જ જઈશુ અને મતદારો એકવાર ફરીથી આ સીટ પર ભાજપને તક આપશે એવો અમને દૃઢ વિશ્વાસ છે."