સુરત : SMC ના ભાજપના નગર સેવકોની ફરિયાદ મુદ્દે મેયર અંધારામાં ? આ મુદ્દે શાસક પક્ષ અને વિરોધ પક્ષના નેતાએ આપ્યા ચોંકાવનારા નિવેદન
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : સુરત મહાનગર પાલીકામાં હાલમાં ભાજપનું શાસન છે, જ્યારે આમ આદમી પાર્ટીના 27 નગરસેવકો વિરોધ પક્ષની ભૂમિકા અદા કરી રહ્યા છે. ત્યારે ઉધના ઝોનમાં ભાજપના નગરસેવકો પ્રશ્નો લઈને જાય તો તેમના કામ નહિ થતા હોવાનો ખુદ ભાજપના જ 12 જેટલા નગરસેવકોએ આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. ભાજપના ૧૨ જેટલા નગરસેવકોએ શાસક પક્ષના નેતાને ફરિયાદ કરી હતી કે ઉધના ઝોનમાં અધિકારીઓ આમ આદમી પાર્ટીના નગરસેવકોનું વધારે સાંભળે છે. જ્યારે ભાજપના નગર સેવકો કોઈ પણ કામ લઈને જાય તો ધ્યાન આપવામાં આવતું નથી. સાથે સાથે અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો પણ ભાજપના નગરસેવકોએ આક્ષેપ કર્યો છે.
અત્રે નોંધનીય છે કે ઉધના ઝોનના વોર્ડમાં એક પણ આમ આદમી પાર્ટીના નગરસેવક ચૂંટાયા નથી. ઉધના ઝોન વિસ્તારના વોર્ડને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યારે ભાજપના જ નગર સેવકો દ્વારા જ્યારે આ પ્રકારની ફરિયાદ કરવામાં આવે છે ત્યારે એક વાત સ્પષ્ટ છે કે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગર પાલિકામાં ભાજપના 93 નગર સેવકો સામે આમ આદમી પાર્ટીના 27 નગરસેવકો વધારે પ્રભાવશાળી સાબિત થયા છે. આ અંગે સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારનું કાયદેસરનું કામ લઈને જઈએ તો અધિકારીઓ હંમેશા કામ કરે જ છે. એટલું જ નહીં પરંતુ જ્યારે ભાજપના નગર સેવકો દ્વારા કદાચ કોઈ અધિકારીઓના ક્રાઈટએરિયા માં ન આવતા હોય એવા ખોટા કામ કરાવવા માટે પ્રયત્નો થયા હોય તો સ્વાભાવિક છે કે અધિકારીઓ ખોટા કામ કરતાં અચકાય.
આ અંગે જ્યારે સુરત મહાનગરપાલિકાના મેયર ને ટેલિફોનિક સંપર્ક કરીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એવો જવાબ આપ્યો કે, " કોણ કહે છે ? " બસ આટલો જવાબ આપ્યા પછી આગળ તેમને કાંઈ પણ કહેવાની તસ્દી લીધી ન હતી. ત્યારે એક વાત સ્પષ્ટ થાય છે કે હજુ ભાજપના નગરસેવકો દ્વારા જે શાસક પક્ષના નેતા સામે બળાપો કાઢવામાં આવ્યો તેને લઈને ક્યાંક ને ક્યાંક મેયર અંધારામાં હોય તેવું લાગી રહ્યું છે.
આ અંગે મહાનગર પાલિકાના શાસક પક્ષના નેતાને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, " કામ તો થાય જ છે પરંતુ આ નગર સેવકો ક્યાંકને ક્યાંક નવા હોવાને પરિણામે સંકલનનો અભાવ રહેતો હોય એમ લાગે છે ". જો કે શાસક પક્ષના નેતા નો જવાબ સાંભળીને આશ્ચર્ય એ વાતનું થાય છે કે સાચું કોણ ? શું ભાજપના આ બાર નગરસેવકો માત્ર અંધારામાં જ તીર મારે છે કે પછી શાસક પક્ષના નેતા ક્યાંકને ક્યાંક ઘટનાને લઈ ઢાંકપિછોડો કરવા નો પ્રયત્ન કરે છે ?
અત્રે નોંધનીય છે કે કોરોના ની આ મહામારીમાં પણ આમ આદમી પાર્ટીના નગર સેવકો દ્વારા ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે આમ આદમી પાર્ટીના નગર સેવકો દ્વારા પોતાના વોર્ડ દીઠ ઓક્સિજનની સુવિધાયુક્ત covid કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.જેમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ ની પ્રેમ પૂર્વક સારવાર કરવામાં આવી રહી છે, તો જેને લઇને અનેક દર્દીઓ આ કોવિડ કેર સેન્ટર માંથી સાજા થઈને પોતાના ઘરે પોતાના સ્વજનોની વચ્ચે પાછા ફર્યા હોવાના પણ અનેક કિસ્સાઓ બન્યા છે. સુરતમાં આમ આદમી પાર્ટીના નગરસેવકોની સક્રિયતા ભાજપના નગર સેવકો માટે જાણે મોટો પડકાર બની રહી હોય તેવું લાગી રહ્યું છે.