સુરત : મેયરની સરપ્રાઇઝ મુલાકાત કે પછી પબ્લિસિટી સ્ટંટ ?

સુરત : મેયરની સરપ્રાઇઝ મુલાકાત કે પછી પબ્લિસિટી સ્ટંટ ?

કતારગામ ઝોન અને અઠવા ઝોનમાં મેયરની સરપ્રાઇઝ વિઝીટ

જન્મ મરણના દાખલાના ટેબલ પરના અધિકારી ગાયબ

મેયર ના વિસ્તાર માં જ રોડ રસ્તા ની સ્થિતિ ખરાબ.

રખડતા ઢોર મુદ્દે મેયરની નિષ્ક્રિય ભૂમિકા

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : સુરતમાં નવા મેયર દક્ષેશ માવાણી દ્વારા કતારગામ અને અડાજણ ઝોનની સરપ્રાઈઝ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં મુલાકાત દરમિયાન ઝોનમાં ચાલતી લાલિયા વાડી બહાર આવી હતી કારણ કે જન્મ મરણ ના દાખલા ના ટેબલ પર અધિકારી જ ગાયબ જોવા મળ્યા હતા.

જોકે મેયરની આ મુલાકાતને સરપ્રાઈઝ મુલાકાત કહેવામાં આવી રહી છે. પરંતુ જો ખરા અર્થમાં સરપ્રાઈઝ મુલાકાત લેવી હોય તો મેયરે એક સામાન્ય વ્યક્તિ બનીને શક્ય એટલી પોતાની ઓળખ છુપાવીને વિવિધ વિસ્તારોમાં મુલાકાત લેવી જોઈએ કે જેથી વાસ્તવિકતા બહાર આવે.બીજું કે મુલાકાત લેતા પહેલા મેયરના ખુદના વિસ્તારમાં જો રોડ રસ્તાઓ અને રખડતા ઢોરો બાબતે નિયંત્રણ મૂકવામાં આવે તો પણ ઘણું જ છે.

પરંતુ આ દિશામાં મેયર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી રહી નથી. ત્યારે આ સરપ્રાઈઝ મુલાકાત એ કદાચ ક્યાંક ને ક્યાંક એક રાજકીય પ્રસિદ્ધિ મેળવવા માટેના પબ્લિસિટી સ્ટંટનો એક ભાગ જ હોઈ શકે છે એમ કહેવું પણ અનુચિત નથી. જોકે શહેરમાં અનેક ઠેકાણે રખડતા ઢોરોની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. સ્માર્ટ સિટી જાણે રખડતા ઢોરોનો તબેલો બની ગયું હોય એવું લાગે છે .પરંતુ આ દિશામાં મેયર નિષ્ક્રિય ભૂમિકામાં હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.