સુરત : શહેરમાં ફાયર સેફ્ટી મુદ્દે આડેધડ મિલકતો સીલ થતાં નાના વેપારીઓની હાલત કફોડી ! મેયર મીડિયાના સવાલોથી ભાગે છે ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : રાજકોટ માં નગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓના પાપે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ માં 27 જેટલી નિર્દોષ જિંદગીઓ હોમાઈ ગઈ ત્યારે તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. જોકે રાજકોટ અગ્નિકાંડની ઘટનાને લઈને રાજ્યની અન્ય નગરપાલિકાઓ ફાયર સેફ્ટી મુદ્દે આક્રમક બની છે. જેમાં કેટલાક બિલ્ડરોના પાપે ફાયર સેફટી ના નામે નાના નાના વેપારીઓ અને ધંધાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં પણ રાજકોટ ને પગલે હવે આળસ ખંખેરી અધિકારીઓ દોડતા થયા છે અને આડેધડ મિલકતોને સીલ મારવાની કામગીરી શરૂ કરી છે. જોકે તક્ષશિલા કાંડ દરમિયાન ફાયર વિભાગ હરકતમાં આવ્યું હતું પરંતુ 'નવી વહુના નવ દા'ડા ' ની જેમ થોડાક દિવસ કામગીરી કરી ફરીથી ફાયર વિભાગ નિષ્ક્રિય બની ગયું હતું.
આડેધડ દુકાનો સીલ મરાતા નાના વેપારીઓ અને ધંધાર્થીઓની હાલત કફોડી
સુરત તક્ષશિલા કાંડ બાદ રાજકોટમાં થયેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ ને લઈને એકવાર ફરીથી પાંચ વર્ષ બાદ સુરતમાં પાછું ફાયર તંત્ર હરકતમાં આવ્યું છે અને મન ફાવે તેમ કાંઈ પણ વિચાર્યા વગર ફાયર સેફટી ના નામે મિલકતો સીલ કરીને વાહ-વાહી લૂંટી રહ્યું છે. ત્યારે બીજી બાજુ દરરોજ કમાઈને દરરોજ ખાતા નાના વેપારીઓ અને ધંધાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. પ્રજાના ટેક્સમાંથી દર મહિને પગાર મેળવતા આ નિષ્ઠુર અધિકારીઓને નાના વેપારીઓની પીડા કેવી રીતે સમજાય? જોકે ફાયર સેફ્ટી મુદ્દે જે તે કોમ્પ્લેક્સ બનાવનાર બિલ્ડર સામે કાર્યવાહી થવી જોઈએ તેને બદલે નાના વેપારીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ફાયર વિભાગની આ કામગીરીને લઈને અનેક સવાલો પેદા થાય છે. એટલું જ નહીં હાલમાં શહેરમાં જેટલી પણ ઊંચી ઇમારતો અને રેસીડેન્ટ કન્સ્ટ્રક્શન ચાલે છે એમાં પણ ફાયર ના નિયમોનું કેટલું પાલન થાય છે તે ચકાસવું રહ્યું !
મોટી દુર્ઘટના પછી જ અધિકારીઓની આંખ કેમ ઉઘડે છે ?
સવાલ એ થાય છે કે તક્ષ શીલા કાંડ ના પાંચ વર્ષ સુધી કુંભકર્ણ નિંદ્રામાં રહેનાર ફાયર વિભાગને આવી દુર્ઘટનાઓ બને ત્યારે જ ફાયર સેફટી ની વાતો કેમ યાદ આવે છે? પાંચ વર્ષ સુધી ફાયર વિભાગ શા માટે ઊંઘતું રહ્યું ? નગરપાલિકાના અધિકારીઓને કોઈપણ મોટી દુર્ઘટના બાદ જ કેમ ડહાપણ આવે છે ? સુરત તક્ષશિલા કાંડ બાદ પણ ફાયર સેફટી ના નામે અનેક પ્રકારની ગફલાબાજી જોવા મળી હતી અને ક્યાંક કેટલાક માલેતુંજારોએ પૈસા આપીને ફાયર ની એનઓસીઓ લીધે હોવાની વાતો પણ જે તે સમયે બહાર આવી હતી. ત્યારે આ વખતે પણ આવો પૈસાનો ખેલ કરવા માટે જ અધિકારીઓ આંકરા પાણીએ હોવાનો ડોળ કરી રહ્યા છે કે શું ?
સુરતમાં પણ ભ્રષ્ટ અધિકારીઓ ની મિલકતની તપાસ થવી જોઈએ !
શહેરમાં અનેક ઠેકાણે હાલમાં ચાલી રહેલ કન્સ્ટ્રક્શનમાં પણ નીતિ નિયમો ક્યાંક ને ક્યાંક નેવે મુકાતા હોવાની વાતો ચર્ચાઇ રહી છે ત્યારે કન્સ્ટ્રક્શન દરમિયાન જે સેફટી ના નિયમોનું પાલન થવું જોઈએ એવા નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો હોવા છતાં પણ અધિકારીઓને આ વાત દેખાતી નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક આ કન્સ્ટ્રક્શન કંપનીઓ પાસેથી ભ્રષ્ટ અધિકારીઓ તોડ પાણી કરીને માલેતુંજાર બનતા જાય છે. જેનો એક જીવંત દાખલો રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં થી બહાર આવ્યો છે. સુરતમાં પણ આવા ભ્રષ્ટ અધિકારીઓની મિલકતોની તપાસ થાય તો અનેક રહસ્ય બહાર આવી શકે છે.
મેયર પાસે પ્રજાહિત ના પ્રશ્ન સાંભળવા સમય નથી ! તો સાહેબ હોદ્દો છોડી દો !
મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા સુરતના મેયરને કન્સ્ટ્રક્શન કંપનીઓ દ્વારા થતા સેફટી ના નિયમોના ભંગ બાબતે whatsapp ના માધ્યમથી તસવીર મોકલીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ઉદ્ધત જવાબ આપતા કહ્યું હતું કે મારી પાસે આવા whatsapp જોવાનો સમય નથી. સવાલ એ થાય છે કે સાહેબ તમને જેના માટે નિયુક્ત કરવામાં આવ્યા છે એ કામગીરી કરવાને બદલે માત્ર અને માત્ર તમે રાજકીય પ્રચારો અને ઉદ્ઘાટનોમાં જ રચ્યા પચ્યા રહો છો. જો આપનામાં થોડી પણ પ્રામાણિકતા હોય અને સ્વાભિમાન હોય તો પ્રજાહિતની કામગીરી ન થઈ શકતી હોય તો આપે સ્વેચ્છાએ આપનો હોદ્દો છોડી દેવો જોઈએ. ધારદાર સવાલો કરનાર મીડિયા થી દૂર ભાગતા મેયર ક્યાંક ને ક્યાંક પોતે પોતાની જવાબદારીમાં નિષ્ક્રિય રહ્યા હોય તેવું ચર્ચાઇ રહ્યું છે !
પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલ ! શહેરમાં યમદૂત બનીને દોડતા ડમ્પરો !
શહેરમાં અનેક ઠેકાણે જુદા જુદા પ્રકારના કન્સ્ટ્રક્શન કામો ચાલી રહ્યા છે ત્યારે કેટલાક ડમ્પરો જીવતા યમદૂત બનીને મન ફાવે એટલી સ્પીડે દોડી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ ડમ્પરોમાં કે ટ્રેક્ટરમાં લઈ જવાતી રેત પર ચાદર નાખવાને બદલે ખુલ્લા વાહનમાં રેત, સિમેન્ટ જેવી વસ્તુઓ લઈ જવામાં આવે છે. જે પવનને કારણે ઉડતી હોય છે જેને લીધે પાછળ આવતા ચાલકોની આંખો ભરાઈ જવાથી કેટલીક વાર નાના-મોટા અકસ્માતો થવાની પણ સંભાવના રહેલી છે. ત્યારે સુરત પોલીસ આ મુદ્દે ક્યાં સુધી આંખે પાટા બાંધીને ધૃતરાષ્ટ્રની ભૂમિકા નિભાવ્યા કરશે ?