સુરત : સતત બીજા દિવસે શહેર અને જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરાવનો નિર્ણય ' નરો વા કુંજરો વા ' જેવો!
સુરત શહેરમાં બીજા દિવસે તમામ શાળાઓ માં રજા રાખવા બાબતે ડીઈઓ નો વિચિત્ર નિર્ણય
વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે કચવાટ
પૂરગ્રસ્ત વિસ્તારો અને બિન અસરગ્રસ્ત વિસ્તારોમાં શાળાઓ બંધ રાખવા શાળા સંચાલકો ઉપર ઢોળાયો નિર્ણય
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 24 મી જુલાઈને બુધવારના રોજ સુરત શહેર અને જિલ્લા ની તમામ શાળાઓમાં રજા જાહેર કરવા અંગે વિચિત્ર નિર્ણય લેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
ત્યારે આજે 24 જુલાઈના રોજ પણ ભારે વરસાદ અને ખાડી પૂરની સ્થિતિ યથાવત રહેતા છેવટે સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સુરત કલેકટર ના આદેશ અનુસંધાને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 25 જુલાઈ ને ગુરુવારના રોજ સુરત શહેર અને જિલ્લામાં જે વિસ્તારો માં પાણી ભરાયા છે તેવા વિસ્તારોમાં વિદ્યાર્થીઓ માટે રજા રહેશે આ સિવાય બિનઅસરગ્રસ્ત વિસ્તારની શાળાઓ ચાલુ રાખવાનો આ વિવાદાસ્પદ નિર્ણય લેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓ હવે બરાબરના મૂંઝાયા છે.
કારણ કે કેટલાય વિદ્યાર્થીઓ એવી શાળાઓમાં અભ્યાસ કરે છે જ્યાં સ્કૂલ આવેલી છે ત્યાં પાણીની કોઈ સમસ્યા નથી. પરંતુ વિદ્યાર્થીઓ જ્યાં વસવાટ કરે છે ત્યાં હજુ પણ પાણી ઓસર્યા નથી. ત્યારે આવા વિદ્યાર્થીઓ જો શાળાએ ન જાય તો તેમનું શિક્ષણ બગડી શકે છે એટલે કે શિક્ષણ અધિકારી દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય ' નરો વા કુંજરો વા 'જેવો છે એમ કહીએ તો પણ ખોટું નથી.