સુરત: ફાયરિંગ વિથ ડબલ મર્ડરના ગુનામાં 14 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
Mnf network : કડોદરા જીઆડીસી પોલીસ મથકમાં વર્ષ 2009માં નોંધાયેલા ફાયરિંગ વિથ ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપીની સુરત એલસીબી ઝોન-2ની ટીમે છત્તીસગઢના રાયપુર ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ કરવા માટે પોલીસે સ્થાનિક લોકો જેવો પહેરવેશ ધારણ કર્યો હતો. જ્યાં માથે ગમછો અને જેકેટ પહેરી સતત વોચ રાખી આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી
આરોપી વર્ષ 2009માં ઘટનાને અંજામ આપ્યા બાદ પોલીસ ધરપકડથી બચવા નાસતો ફરતો ફરી રહ્યો હતો. જ્યાં છત્તીસગઢના રાયપુર ખાતે પોલીસ ધરપકડથી બચવા પોશાક બદલી દાણા ચણાનું વેચાણ કરતો હતો.
સુરત શહેર પોલીસ ગંભીર પ્રકારના ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા "ઓપરેશન ફરાર" શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આરોપીઓ ઉપર રોકડ રકમના ઇનામ પણ જાહેર કરવામાં આવ્યા છે. આવા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ અને પોલીસ ચોપડે ફરાર આરોપીઓને ઝડપી પાડવા શહેર પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. જે અન્વયે સુરતની એલસીબી ઝોન-2ની ટીમે છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
આ દરમિયાન સુરત એલસીબી ઝોન 2ની ટીમને માહિતી મળી હતી કે, આ ગુનાનો આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ ચિત્રકૂટ ખાતે છુપાયો છે. જે માહિતીના આધારે સુરત એલસીબી-2 ની ટીમ ચિત્રકૂટ ખાતે ગઈ હતી. પરંતુ ત્યાંથી પણ આરોપી ભાગી છૂટ્યો હોવાની જાણકારી મળતા પોલીસની ટીમ પરત ફરી હતી. આ વચ્ચે સુરત એલસીબી ઝોનની ટીમને એક ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ છત્તીસગઢના રાયપુર ખાતે પોતાની ઓળખ છુપાવી દાણા-ચણા વેચવાનું કામ કરે છે. જે માહિતીના આધારે એલસીબી ઝોનની ટીમ છતીસગઢના રાયપુર ખાતે ગઈ હતી. 14 વર્ષ બાદ આરોપીની ઓળખ મેળવવી પોલીસ માટે ઘણી મુશ્કેલ બાબત હતી.