ગુજરાત - રાજસ્થાન બોર્ડર પાસે ગમખ્વાર અકસ્માત : 9 લોકોના મોત
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર રતનપુર ચેકપોસ્ટ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જીપની બ્રેકમાં ટેક્નિકલ ખામી સર્જાતા આગળ જઈ રહેલી ટ્રક પાછળ જીપ ઘૂસી જતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જાણવા મળ્યું છે કે, આઠ કે દસ મુસાફરોની કેપેસિટી સામે જીપમાં 19 લોકો બેઠા હતા. ગંભીર ઘાયલોને બીછીવાડાની સરકારી હોસ્પિટલ તથા શામળાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
નવરાત્રિના પહેલા નોરતે જ આ ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 10 લોકોને સારવાર માટે ખસેડ્યા છે. આ ઘટનાને લઈ આસપાસની સ્થાનિક એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી સારવાર માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. અકસ્માતને પગલે સ્થાનિક બીછીવાડા પોલીસ પણ સ્થળ પર પહોંચી છે. ઘટના ગુજરાત સરહદથી માત્ર કેટલાક મીટરના અંતરે રાજસ્થાનના વિસ્તારમાં સર્જાઈ હતી. ગુજરાત પોલીસના જવાનો પણ અકસ્માતને લઈ મદદે દોડ્યા હતા અને ઘાયલોને સારવાર માટે મોકલવા તજવીજ હાથ ધરી હતી.