ઊંઝા : મામલતદાર કચેરીના ઇ સ્ટેમ્પઇંગ કૌભાંડનો મુદ્દો મહેસૂલમંત્રી પાસે પહોચ્યો, મંત્રીજી થયા ખફા, જાણો હવે શું થશે ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ગાંધીનગર : ઊંઝાના સૌથી નાની વયના જાગૃત નગરસેવક ભાવેશ પટેલ દ્વારા મામલતદાર કચેરીના એટીવીટી સેન્ટર માં ચાલતા ઈ-સ્ટેમ્પીંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેને લઇને મોર્નિંગ ન્યુઝ ફોકસ અખબારની વેેેબસાઇટ દ્વારા આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. ત્યારે આ સમાચારને પગલે આ સમગ્ર મામલો ગાંધીનગર મહેસુલમંત્રી કૌશિક પટેલ સુધી પહોંચ્યો છે.
મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે ઊંઝા મામલતદાર કચેરીમાં ચાલતી લાલીયાવાડી અંગે મોર્નિંગ ન્યુઝ ફોકસ ના તંત્રી જશવંત પટેલ પાસેથી ફોન દ્વારા વિગતો મેળવી હતી અને ઈ-સ્ટેમ્પીંગ કૌભાંડ અંગેની પણ માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ બાબતે તેમણે જવાબદાર અધિકારીઓને કડક તપાસના આદેશ આપી દીધા છે અને મામલતદાર કચેરીમાં ચાલતી લાલીયાવાડી અંગે જવાબદાર અધિકારીઓ સામે કડક માં કડક પગલાં ભરવામાં આવશે.
શુ હતો સમગ્ર મામલો ?
ઊંઝા મામલતદાર કચેરીના એટીવીટી સેન્ટર માં એજન્સીના કર્મચારી દ્વારા ઈ-સ્ટેમ્પીંગ ના વધારે નાણાં પડાવવામાં આવતા હોવાની માહિતીના પગલે નગર સેવક ભાવેશ પટેલે તપાસ કરી હતી અને સ્થળ તપાસમાં વધુ નાણાં પડાવવામાં આવી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં 50 રૂપિયાના ઈ-સ્ટેમ્પીંગ ની કિંમત 80 રૂપિયા અને 300 રૂપિયાના સ્ટેમ્પ ની કિંમત 330 રૂપિયા વસૂલવામાં આવી રહયા હતા. જેને લઇને નગર સેવક ભાવેશ પટેલે મામલતદારને રજૂઆત કરી હતી. ત્યાર બાદ સફાળા જાગેલા મામલતદારે એજન્સીના અધિકારીને બોલાવીને ઠપકો આપ્યો હતો અને જે અરજદારો પાસેથી વધુ નાણાં પડાવવામાં આવ્યા હતા તેમને પાછા આપવામાં આવ્યા હતા. જોકે ઊંઝા મામલતદાર કચેરીમાંથી અગાઉ ગુજરાતનું સૌથી મોટું રાશન કૌભાંડ પણ પકડાયું હતું જેમાં સંડોવાયેલા અધિકારીઓ સામે કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા ન હતા.