ભારતના સૌથી મોટા રોબોફેસ્ટ-ગુજરાત 3.0 ની ગ્રાન્ડ ફિનાલે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે યોજાઈ
Mnf network: અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ગુજકોસ્ટ દ્વારા સાયન્સ સિટીના સહયોગથી ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું.
રોબોટિક્સના સમાપન સત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર સહિતના મહાનુભાવોના હસ્તે રોબોટિક્સની જુદી જુદી સાત કેટેગરીમાં વિજેતા વિદ્યાર્થીઓને આશરે પાંચ કરોડના રોકડ પુરસ્કારો એનાયત કરી સન્માનિત કરાયા હતા.
પીઆરએલના ડિરેકટર ડૉ. અનિલ ભારદ્વાજ, બાર્કના રોબોટિક્સ વિભાગના હેડ અને રોબોફેસ્ટની ટેક્નિકલ એડવાઇઝરી કમિટીના ચેરમેન ડૉ. દેબાનિક રૉયની ઉપસ્થિતિ વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહક બની રહી હતી.
રોબોફેસ્ટ ગુજરાત રૂપિયા 5 કરોડની ઈનામી રકમ સાથે ભારતની સૌથી મોટી રોબોટિક સ્પર્ધા તરીકે જાણીતી છે. રોબોટિક્સ ગુજરાત 3.0માં કુલ 629 ટીમોએ ભાગ લીધો હતો, પ્રૂફ ઓફ કોન્સેપ્ટ તબ્બકા માટે 151 ટીમો પસંદ કરવામાં આવી હતી.
કુલ 330 વિદ્યાર્થીઓ તથા 50થી વધારે મેન્ટર્સ સહભાગી થયા હતા. ભાભા એટમિક રિસર્ચ સેન્ટર, મુંબઈ, આઈઆઈટી, મુંબઈ, આઈઆઈટી, ચેન્નઈ, આઈઆઈટી, ગાંધીનગર, આઈઆઈટી, દિલ્હી, આઈઆઈટી, કાનપુર, આઇ ક્રિએટ, ડીડીયુ, અમદાવાદ યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી, એલ.ડી. એન્જિનિયરિંગ વગેરે સંસ્થાઓ સહભાગી થઈ હતી.