કોવિડ કેર સેન્ટર પર ખોટો રોફ જમાવવા ગયેલ કોંગ્રેસ પ્રમુખ અને કેબિનેટ મંત્રી વચ્ચે બબાલ, છેવટે કોંગ્રેસ પ્રમુખે કેમ ભાગવાનો વારો આવ્યો ?

કોવિડ કેર સેન્ટર પર ખોટો રોફ જમાવવા ગયેલ કોંગ્રેસ પ્રમુખ અને કેબિનેટ મંત્રી વચ્ચે બબાલ, છેવટે કોંગ્રેસ પ્રમુખે કેમ  ભાગવાનો વારો આવ્યો ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ, જેતપુર :  કોરોનાની મહામારી માં સૌરાષ્ટ્રમાં પણ કેટલાક ઠેકાણે કોરોના કેર આઇસોલેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જેતપુરમાં ધોરાજી રોડ પર આવેલ હિરપરા મહિલા કોલેજમાં પણ આવું જ એક કોરોના કેર સેન્ટર શરૂ થયું છે. આ કોરોના કેર સેન્ટરમાં કોંગ્રેસ પ્રમુખને સરપ્રાઇઝ ચેકિંગ કરીને રોફ જમાવવા નું તેમને ભારે પડી ગયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, કોંગ્રેસ શહેર પ્રમુખ શૈલેષ સાવલિયા ગઈકાલે બપોરે 2 વાગ્યા આસપાસ મહિલા કોલેજમાં ચાલતા આ કોવીડ કેર સેન્ટરમાં સરપ્રાઇઝ વિઝિટ માટે આવી પહોંચ્યા હતા અને આવીને તેમણે રોફ જમાવવાનું શરૂ કર્યું હતું. કોંગ્રેસ પ્રમુખે કોવિડ કેર સેન્ટરમાં ઉપસ્થિત સ્વયં સેવકોને પૂછવા લાગ્યા કે અહીંયા કેટલા બેડ ખાલી છે ? કેટલું ફંડ નું ઉઘરાણું કરો છો ? અહીંયા બધા ભાજપના જ લોકો બેઠા છે વિગેરે વિગેરે પ્રશ્નો પૂછીને પોતાનો રોફ જમાવવા લાગ્યા હતા. ત્યાં જ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા આવી પહોંચ્યા હતા.

જોકે સમગ્ર ઘટનાનો અણસાર આવતા અહીં આવી પહોંચેલ જયેશ રાદડિયાએ કોંગ્રેસના પ્રમુખ ને પૂછ્યું કે, " શું આ કોવિડ કેર સેન્ટરમાં દાખલ થનાર વ્યક્તિને એવું પૂછવામાં આવે છે કે તમે ભાજપમાં છો કે કોંગ્રેસમાં ? કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જો કોરોના ગ્રસ્ત હોય તો તમે દાખલ કરી જાઓ ને કોણ ના પાડે છે. કોંગ્રેસમાં ત્રેવડ હોય તો દસ બેડ નું કોવિડ કેર સેન્ટર ઉભું કરીને બતાવે." જયેશ રાદડિયાએ શિખામણ આપતા કહ્યું કે, " અત્યારે સહકારની ભાવના રાખવાની હોય ભાજપ-કોંગ્રેસનું રાજકારણ કરવાનો સમય નથી."

રાદડિયાએ વધુમાં કહ્યું કે, " ભાઈ અત્યારે જે સેવા કરતું હોય તેને નડવાનો સમય નથી પરંતુ તેને ઉપયોગી બનવાનો સમય છે." જોકે થોડોક સમય માટે કોંગ્રેસ પ્રમુખ અને કેબિનેટ મંત્રી વચ્ચે તુ..તું..મે..મે થઈ ગઈ હતી. ત્યાર બાદ ઉગ્ર બનેલા જયેશ રાદડિયાએ કોંગ્રેસ પ્રમુખને રાજકારણ કરવાને બદલે સ્થળ છોડીને ચાલ્યા જવાનું કહ્યું હતું. જેથી મિજાજ પારખી ગયેલા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ સાવલિયા સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા.

( ફોટો ક્રેડિટ : હિતેશ રાઠોડ, જેતપુર )