ઊંઝા તાલુકા પંચાયતના વહીવટીય વિભાગની ખૂલી પોલ : ધારાસભ્યની કામગીરી સામે ઉઠ્યા સવાલ
35 ગામડાઓ વચ્ચે 24 તલાટી ફરજ બજાવે છે : તાલુકા વિકાસ અધિકારી,ઊંઝા
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ભુપેન્દ્ર પટેલની ભાજપ સરકારમાં અનેક વિભાગોમાં કર્મચારીઓની સતત ઘટ હોવાની બુમરાડો ઉઠી રહી છે. ત્યારે ઉત્તર ગુજરાતની રાજનીતિનુંં મહત્વનું કેન્દ્ર કેન્દ્ર ગણાતા ઊંઝામાં છેલ્લા કેટલાય સમયથી તલાટીની ઘટ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
ગામડાના વહીવટમાં તલાટીની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. ત્યારે ઊંઝા તાલુકામાં કેટલાક એવા ગામડાઓ છે જ્યાં તલાટી માત્ર અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ જ જોવા મળે છે. જેને પરિણામે લોકોએ પોતાના સરકારી કામકાજો માટે ધક્કા ખાવાનો વારો આવ્યો છે. ઊંઝા તાલુકા વિકાસ અધિકારી પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝામાં કુલ 35 ગામડાઓ વચ્ચે માત્ર 24 તલાટીઓ પોતાની ફરજો બજાવી રહ્યા છે. એટલે કે 11 જેટલા તલાટીની ઘટ છે.
પોતાના વિસ્તારમાં લોકોને સારી સુવિધાઓ અને સગવડો પ્રાપ્ત થાય તેમ જ સરકારી લાભ અને સરકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત થાય તે જોવાની જવાબદારી જે તે વિસ્તારના ધારાસભ્યની હોય છે. પરંતુ ઊંઝા ના ધારાસભ્ય માત્ર અને માત્ર પોતાની રાજકીય પ્રતિષ્ઠા બચાવવામાં જ ફાફા મારતા નજરે પડે છે. ત્યારે ગામડાઓમાં જે તલાટીઓની ઘટ પ્રવૃત્તિ રહી છે તેને લઈને આજ સુધી ધારાસભ્ય દ્વારા શું કામગીરી કરવામાં આવી એ જાહેર કરવામાં આવે એવી લોકોની માંગ ઉઠી છે.