દિવાળી પર્વમાં ગામડાઓમાં રોનક જામી : સમૂહ શેરી ભોજનનો નવો ટ્રેન્ડ શરૂ થયો

દિવાળી પર્વમાં ગામડાઓમાં રોનક જામી : સમૂહ શેરી ભોજનનો નવો ટ્રેન્ડ શરૂ થયો

દિવાળી પર્વમાં ખાલી ગામડાઓ ભરચક બન્યા

ધંધાર્થે વતનથી દૂર જનારા લોકો દિવાળી પર્વમાં વતન પાછા ફરતા ગામડાઓ ધબકવા લાગ્યા.ગ્રામ્ય સંસ્કૃતિ ખીલી ઉઠી

શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં શેરીઓમાં સમૂહ ભોજનનો નવો ટ્રેન્ડ

સમૂહ ભોજન બાદ સમૂહ ગોષ્ઠી

પારિવારિક અને સામાજિક સંબંધો મજબૂત બને છે.

ધંધાર્થે દૂર રહેતા પરિવારો એકબીજાની નજીક આવે છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : દિવાળી પર્વમાં પોતાના વતનથી દૂર રહેતા લોકો પણ પાવન પર્વની ઉજવણી માટે પોતાના માદરે વતન પરત ફરતા હોય છે. ત્યારે ખાલી ખાલી લાગતા ગામડાઓ ધબકતા થાય છે અને શહેરોમાંથી ગામડામાં પરત ફરેલા લોકો પોતાના વતનમાં સાથે મળીને આ પાવન પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે હવે ગામડાઓમાં શેરી સમૂહ ભોજનનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે.

શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની હવે ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે, ત્યારે શહેરોમાંથી ગામડામાં આવેલા લોકો ગ્રામ્ય સંસ્કૃતિની મજા માણી રહ્યા છે. શિયાળાની આ ફૂલ ગુલાબી ઠંડીમાં શેરીઓમાં સામૂહિક ભોજનનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં શેરીમાં રહેતા તમામ પરિવારો સાથે મળીને સમૂહમાં ભોજન બનાવી સ્વાદિષ્ટ મિજબાનીઓ નો આનંદ લે છે.જેમાં મહેસાણા પંથકમાં ખાસ કરીને તુવેર તોઠા તેમજ આખી હળદરનું શાક ખૂબ પ્રચલિત છે.

ઉત્તર ગુજરાતમાં ખાસ કરી મહેસાણા પંથકના ગામડાઓમાં સમૂહ ભોજન નો ટ્રેન્ડ જોવા મળે છે.જેમાં શેરીની મહિલાઓ સાથે મળી ભોજન તૈયાર કરે છે અને શેરી કે સોસાયટીમાં રહેતા તમામ પરિવારના સભ્યો સાથે મળી ભોજન કરે છે.ભોજનની સાથે સાથે ધંધાર્થે જુદા જુદા શહેરી વિસ્તારમાં રહેતા લોકો પરસ્પર એકબીજાના પારિવારિક, સામાજિક વિચારોની આપ લે પણ કરે છે.સમૂહ ભોજન બાદ સમૂહ ગોષ્ઠી યોજાય છે.આ રીતે ધંધાર્થે એકબીજાથી દૂર રહેતા પરિવારો એકબીજાની નજીક જોડાયેલા રહે છે.સામાજિક સંબંધો મજબૂત બને છે અને સ્નેહ અને સુમેળ ભર્યું વાતાવરણ સર્જાય છે.