Breaking : શિક્ષણબોર્ડે મારી ગુલાંટ : ધો.10 અને 12 ના વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટીમાં 'માસ પ્રમોશન ' નહિ લખાય પણ આ નોંધ લખાશે
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે કોરોનાની મહામારી ને કારણે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે બોર્ડ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટમાં રીમાર્ક્સ માં માસ પ્રમોશન લખવામાં આવશે જેને લઇને અનેક સવાલો ખડા થયા હતા. ત્યારે અંતે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે હવે ફેરવી તોળ્યું છે અને માસ પ્રમોશન નહીં રાખવાનો નિર્ણય લીધો છે.
ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન તો સરકારે જાહેર કરી દીધું, પણ તેની માર્કશીટ તૈયાર કરવાની પદ્ધતિમાં શિક્ષણ બોર્ડ ગૂંચવાઈ ગયું હતું. પરિણામે, ખાસ સમિતિ બનાવી હતી, એનાં તારણો અને ફોર્મ્યુલાના આધારે માર્કશીટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હજુ પણ મૂંઝવણ છે કે પરિણામ સારું આવશે, પણ એમાં માસ પ્રમોશન લખેલું હશે તો ઉચ્ચ અભ્યાસથી માંડીને વિદેશ જવામાં નડતરરૂપ બનશે તો કારકિર્દી રોળાઈ જશે.ધો.10 ના વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટમાં ' માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતાં ' એવો ઉલ્લેખ કરવામાં આવશે
ઉપરાંત શિક્ષણવિદો તેમજ આચાર્યોની રજૂઆત બાદ બોર્ડે પોતાનો નિર્ણય બદલ્યો છે અને વિદ્યાર્થીઓના હિતમાં માસ પ્રમોશન ન લખવા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને, તેમના હસ્તે શાળાઓને સૂચના આપવા માટે કહેવામાં આવ્યું છે. સાથે સાથે 31 મે, 2021 શાળા છોડ્યાની તારીખનો ઉલ્લેખ કરવા સૂચના અપાઈ છે. વાલી-વિદ્યાર્થીઓની આ ચિંતાથી માધ્યમિક શિક્ષણ બોર્ડ પણ સજાગ હોવાથી તેણે નક્કી કર્યું છે કે ધોરણ 10 અને 12ની માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં.