મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત પર થયા મહેરબાન : મેયરે આભાર વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત પર થયા મહેરબાન : મેયરે આભાર વ્યક્ત કર્યો

સુરતમાં ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના ૭૬ કામો હાથ ધરાશે

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સુરત અને અમદાવાદ જેવા મહાનગરમાં આઉટગ્રોથ વિસ્તારમાં શહેરી જનસુખાકારી વધારો કરતા કુલ રૂપિયા ૨૧૪ કરોડના કામોને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. અમદાવાદમાં ડ્રેનેજ અને પાણીનાં ૬ કામો તથા સુરતમાં ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના ૭૬ કામો હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં મહાનગરોમાં જનસુખાકારી વૃદ્ધિના કામોને વેગ આપતો વધુ એક જન હિતકારી નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીના પરિણામે અમદાવાદ મહાનગર પાલિકાના આઉટ ગ્રોથ વિસ્તાર વિકાસ કામો સંદર્ભે રૂપિયા ૧૩૮.૪૬ કરોડના ખર્ચે ડ્રેનેજ તથા પાણીનાં ૬ કામોની દરખાસ્તને અનુમોદન મળ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહા નગર પાલિકાના આઉટગ્રોથ વિસ્તારના ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓ ના વિવિધ ૭૬ કામો માટે અંદાજીત ૭૫.૭૮ કરોડ રૂપિયા ના કામોને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજ્ય સરકારે શહેરી વિસ્તારોમાં અને તેની વધારેલી હદ-આઉટગ્રોથ વિસ્તારોમાં પાણી, ગટરવ્યવસ્થા, રોડરસ્તા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટ્રીટલાઈટ વગેરે માળખાકીય સુવિધાનો વધારો કરીને માનવ વિકાસ સૂચકાંક  અને ઇઝ ઓફ લિવિંગ વધારવાની નેમ રાખી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ હેતુસર આ વર્ષે રાજ્યના શહેરી વિકાસ વિભાગના બજેટમાં શહેરી ક્ષેત્રો ની માળખાકીય સુવિધાઓ માટે ૩૭ ટકાનો માતબર વધારો પણ સૂચવવામાં આવ્યો છે. એટલું જ નહીં, મહા નગર પાલિકા, નગર પાલિકા તેમજ શહેરી સત્તા મંડળોમાં પાયાની માળખાકીય સુવિધાઓ માટે અમલી બનાવાયેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના રૂપિયા ૮૦૮૬ કરોડની જોગવાઈ સાથે ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.