Exclusive મહેસાણા : જિલ્લા ભાજપ પ્રમુખ માટે રિપિટ થીયરી અપનાવાય તો સંગઠન ને ફાયદો કે નુકશાન ? શું છે કાર્યકરોના દિલમાં ?

Exclusive મહેસાણા : જિલ્લા ભાજપ પ્રમુખ માટે રિપિટ થીયરી અપનાવાય તો સંગઠન ને ફાયદો કે નુકશાન ? શું છે કાર્યકરોના દિલમાં ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ માટે તાજેતરમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે 40 થી 50 જેટલા ઉમેદવારોએ પ્રમુખ પદ માટેની ઉમેદવારી નોંધાવી હતી ત્યારે હવે આ ઉમેદવારો માંથી પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ ગીરીશ રાજગોરે પણ ફરીથી પ્રમુખ બનવા માટે ઉમેદવારી નોંધાવી છે ત્યારે રાજગોર ની રિપીટ થિયરીને લઈને અનેક પ્રકારના તર્ક વિતર્કો શરૂ થયા છે. 

અત્રે નોધનીય છે કે ગિરીશ રાજગોર ના જિલ્લા પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન ભાજપના સંગઠનને મજબૂત બનાવવામાં તેઓ મોટાભાગે નિષ્ફળ રહ્યા હોવાનું માનવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ તેમના કાર્યકાળમાં ભાજપમાં અંદરો અંદર રહેલો વિખવાદ અનેક વાર સપાટી પર પણ આવ્યો છે અને પ્રદેશમાંથી રાજગોરે અવારનવાર ઠપકો સાંભળવાના કિસ્સાઓ પણ ચર્ચાયા છે. ત્યારે પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળવામાં નિષ્ફળ રહેલા રાજગોર ને પુનઃ પ્રમુખ તરીકે રીપીટ કરવામાં ન આવે તેવી ગુસપુસ કાર્યકરોમાં ચાલી રહી હોવાનું ચર્ચાય છે. 

રાજગોર જૂથવાદ અને અંદરો અંદર ના વિખવાદ ને ડામવામાં નિષ્ફળ રહ્યા ?

અત્રે નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વતન વડનગર એ ઊંઝા વિધાનસભામાં સમાવિષ્ટ છે ત્યારે વડનગર અને ઊંઝા ભાજપ સંગઠનમાં અંદરો અંદર ચાલી રહેલ વિખવાદ અંગે અનેક વાર રાજગોર સામે પણ ફરિયાદો ગઈ છે પરંતુ આ જૂથવાદને શાંત પાડવાને બદલે રાજગોર 'સબ સલામત' હોવાનો દાવો કરીને પોતાના અસ્તિત્વને ટકાવી રહ્યા હતા. ખાસ કરીને ઊંઝા નગરપાલિકામાં પણ ભાજપનું શાસન ટકાવી રાખવા ભાજપના નેતાઓ એ ઘુંટણીએ પડવાનો વારો આવ્યો હતો.

રાજગોર ના કાર્યકાળ માં મેન્ડેડ મજાક બન્યું ! ખેડૂતોના રૂપિયા ચાઉ થયા !

એટલું જ નહીં પરંતુ એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીમાં પણ ભાજપનો મેન્ડેડ મજાક બન્યું હતું જેની પાછળ સ્થાનિક ધારાસભ્ય ની સત્તા લાલસા અને જિલ્લા પ્રમુખ ની બેદરકારી જવાબદાર હોવાનું ચર્ચાય છે. ચોકાવનારી હકીકત તો એ છે કે પ્રધાનમંત્રી મોદીનું વતન વડનગર જે વિધાનસભામાં સમાવિષ્ટ છે એ ઊંઝા વિસ્તારના અનેક ખેડૂતો ને ભાજપના એક પૂર્વ નેતાએ મૂર્ખ બનાવી લાખો પડાવ્યા હોવાની ફરિયાદ રાજગોર સુધી પહોંચવા છતાં પણ રાજગોર એ નજર અંદાજ કરી હતી. ખેડૂતો ના પૈસા હજુ પણ આ ભાજપના પૂર્વ નેતા પચાવીને ધારાસભ્ય સાથે ફોટાઓ પડાવીને પોતાની જાતને મહાન બતાવી રહ્યા છે ત્યારે આવા પરસેવાની કમાણીના ખેડૂતના રૂપિયા ડૂબવાની ફરિયાદો મળવા છતાં પણ આડા કાન કરનાર રાજગોર સામે છૂપો રોષ હોવાનું ચર્ચાય છે. ત્યારે શું ભાજપ રાજગોર ને રીપીટ કરીને ફરીથી મહેસાણા જિલ્લામાં ભાજપ સંગઠનને નબળું બનાવશે કે શું તે એક મોટો યક્ષ પ્રશ્ન છે.

કાર્યકરો કેવા જિલ્લા પ્રમુખની અપેક્ષા રાખે છે ?

જોકે સોશિયલ મીડિયામાં મહેસાણા જિલ્લા ભાજપ માટે ગિરીશ રાજગોર ની રીપીટ થિયરીને લઈને વહેતી થયેલી અટકળો મુદ્દે કાર્યકરોમાં અનેક પ્રકારની વાતો વહેતી થઈ છે, ત્યારે ખરેખર કાર્યકરો ઈચ્છે છે કે હવે પછી આવનાર જિલ્લા ભાજપ પ્રમુખ બિલકુલ નિર્વિવાદી ચહેરો હોય અને જુના અને નવા તમામ કાર્યકરો સાથે તાલ મેલ બેસાડીને સંગઠનને વધુ મજબૂત બનાવે તેમ જ સંગઠનના નાનામાં નાના પાયાના કાર્યકરની વાતને સાંભળે તે મહત્વનું છે. સ્વહિત ને બાજુએ મૂકીને પક્ષના હિત માટે જ કાર્ય કરે તે ઈચ્છનીય છે.