સુરત : SMC કમિશ્નર શાલીની અગ્રવાલે સપાટો બોલાવ્યો : કર્મચારીઓમાં ફફડાટ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ,સુરત) : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા સિટી ઈજનેર અક્ષય પંડ્યાને શો-કોઝ નોટિસ પાઠવ્યા બાદ હવે તેમની પાસેથી મહત્ત્વના વિભાગો પરત લઇને અન્ય અધિકારીઓને સોંપી દેવાતાં મનપાનાં વર્તુળોમાં સોપો પડી ગયો છે.
મળતી માહિતી મુજબ સિટી ઇજનેર અક્ષય પંડ્યા પર ગ્રીન ડિઝાઈન એન્ડ એન્જિનિયરિંગ સર્વિસની ફેવર કરવા મુદ્દે ચાલી રહેલી તવાઈ અંતર્ગત કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા પહેલા તેને શો-કોઝ નોટિસ પાઠવ્યા બાદ શુક્રવારે અક્ષય પંડ્યા પાસેથી મહત્ત્વના વિભાગનો હવાલો લઇ લેવાયો છે, જેમાં હાઈડ્રોલિક, ડ્રેનેજ, બલૂન બેરેજ, રિવરફ્રન્ટ અને ડુમસ સી ફેઝ સહિતના વિભાગો લઈ લેવામાં આવ્યા હતા. જે પૈકી હાઈડ્રોલિક અને ડ્રેનેજ વિભાગનો હવાલો સરકાર નિયુક્ત ડેપ્યુટી કમિશનર ડો.રાજેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો છે.
જ્યારે ડેપ્યુટી કમિશનર ધર્મેશ મિસ્ત્રીને બલૂન બેરેજ, રિવર ફ્રન્ટ તેમજ એડિશનલ સિટી ઈજનેર મહેશ ચાવડાને ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો હવાલો સોંપવામાં આવ્યો છે. હવે સિટી ઈજનેર અક્ષય પંડયા પાસે સિટી ઈજનેર સ્પેશિયલ સેલ, એમએમટીએચ, મેટ્રો પ્રોજેક્ટનું સંકલન વગેરે વિભાગ રહ્યા છે.