મહેસાણા : સાંસદ હરીભાઈ પટેલે રેલ્વેસ્ટેશન ની ઓચિંતી મુલાકાત લીધી : સ્વચ્છતા ને લઇ કરી ટકોર
મહેસાણા રેલવે સ્ટેશનની ઓચિંતી મુલાકાત લેતા સાંસદ હરિભાઈ પટેલ
મહેસાણા રેલવે સ્ટેશનને વધુ સુરક્ષિત બનાવવાની જરૂર..સાંસદ
તમામ પ્લેટફોર્મ સીસીટીવીથી સજ્જ કરવા સાંસદ દ્વારા અપાઈ સૂચના
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : પ્રજાના પ્રશ્ન અને અગવડની સતત ચિંતા કરતા મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા સરકારી સેવા સાચા અર્થમાં પ્રજાભિમુખ બને તેની સતત ચિંતા થઈ રહી છે.સરકારી કચેરીઓ ખરા અર્થમાં પ્રજાભિમુખ બની છે કે નહીં?તે જાણવા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા સરકારી સેવા અને કચેરીઓની ઓચિંતી મુલાકાતનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેના ભાગરૂપે ઊંઝા મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત બાદ હવે સાંસદે મહેસાણા રેલવે સ્ટેશનની ઓચિંતી મુલાકાત લીધી છે.આ મુલાકાત દરમિયાન મુસાફરોની સુરક્ષા બાબતે સાંસદે ચિંતા વ્યક્ત કરી હતી.એટલું જ નહીં ઉપસ્થિત રેલવેના અધિકારીઓને તમામ પ્લેટફોર્મ સીસીટીવીથી સજ્જ કરવા સૂચના અપાઈ હતી.તો આ ઓચિંતી મુલાકાત દરમિયાન સ્વચ્છતા બાબતે પણ ગંભીર ક્ષતિ જોવા મળી હતી.આ તમામ ક્ષતિઓના નિરાકરણ માટે સાંસદ દ્વારા સૂચના આપવામાં આવી છે.
દેશના યશસ્વી વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો સતત પ્રયાસ રહ્યો છે કે સરકારી સેવાઓ સાચા અર્થમાં પ્રજાને લાભકારી અને હિતકારી બને.રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત આ બાબતે ચિંતિત છે.ત્યારે મહેસાણા સાંસદ દ્વારા સરકારી સેવાઓમાં રહેલી ક્ષતિઓ નિવારી શકાય તે માટે તમામ સરકારી કચેરીઓની ઓચિંતી મુલાકાતનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણય અંતર્ગત મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે પોતાના કાર્યકર્તાઓ સાથે મહેસાણા રેલવે સ્ટેશનની ઓચિંતી મુલાકાત કરી હતી.આ મુલાકાત દરમિયાન સાંસદે રેલવે સ્ટેશનની સ્વચ્છતા બાબતે તેમજ મુસાફરોની સુરક્ષા બાબતે નારાજગી વ્યક્ત કરી હતી.સાંસદે મુસાફરી સાથે ચર્ચા કરી સુરક્ષા અને સેવા બાબતે તેમનો અભિગમ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
તો બીજી તરફ રેલવે સ્ટેશન નવીનીકરણ કામગીરીનું પણ સાંસદે નિરીક્ષણ કર્યું હતું.જે કામગીરી દરમિયાન પડેલા ખાડા તાત્કાલિક પુરી દેવાની સાંસદે સૂચના આપી હતી.સાંસદે મહેસાણા રેલવે સ્ટેશન જુના પાર્કિગ ખાતે કાર્યરત થયેલી ટીકીટ વિન્ડોની પણ મુલાકાત લઈ તેની કામગીરી અંગે માહિતી મેળવી હતી.તો બીજી તરફ રેલવે સ્ટેશનની નવીનીકરણ ની કામગીરીનું પણ યોગ્ય મોનિટરીગ કરવાની અને ટેન્ડરમાં દર્શાવ્યા મુજબ જ માલ સામાન ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી હતી.
સાંસદે રેલવે સ્ટેશનની સફાઈ મામલે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે,રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર જવાની સીડીઓમાં પણ પાનની પિચકારી જોવા મળી હતી.તો પ્લેટફોર્મ ઉપર પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો.સાથે સાથે મુસાફરોની સુરક્ષા બાબતે પણ કોઈ ખાસ વ્યવસ્થા નહિ હોવાની હકીકત ધ્યાન ઉપર આવતા ત્વરિત આ બાબતે પગલાં ભરવાની સાંસદે સૂચના આપી હતી.
બીજી તરફ મહેસાણા નગરપાલિકા હવે મહાનગરપાલિકા બની છે.તેમજ મહેસાણા ટુરિઝમ સર્કિટમાં સમાવિષ્ટ હોવાથી ઉપરાંત વડનગર,મોઢેરા,પાટણ જેવા સ્થળોએ આવતા મુસાફરો માટે મહેસાણા સેન્ટર હોવાથી લાંબા અંતરના મુસાફરોની વ્યવસ્થા અને રોકાણ માટે નિર્માણધીન બાંધકામમાં રેસ્ટ હાઉસનો સમાવેશ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.સાંસદની આ મુલાકાત વખતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યકર્તાઓ દ્વારા રેલવે સ્ટેશનની સુરક્ષા અને સ્વચ્છતા બાબતે સાંસદનું ધ્યાન દોરવામાં આવતા આ બાબતે જરૂરી સૂચન કરવામાં આવ્યા હતા
બોક્સ..મહેસાણા ઉત્તર ગુજરાતની આર્થિક રાજધાની છે.આ કારણે મોટી સંખ્યામાં મુસાફરો મહેસાણા રેલવે સ્ટેશન ઉપરથી આવન જાવન કરે છે.આ સંજોગોમાં મુસાફરોના માલ સામાન અને મુસાફરોની સુરક્ષા જળવાય તે જરૂરી છે.મહેસાણા રેલવે સ્ટેશનના એક પણ પ્લેટફોર્મ ઉપર સીસીટીવી કેમેરા નથી.આ કારણે ગુનાહિત પ્રવુતિ થાય તેવા સંજોગોમાં આવી પ્રવુતિ કરનાર સુધી પહોંચવું મુશ્કેલ થઈ પડે છે.આવા સંજોગોમાં મહેસાણા રેલવે સ્ટેશનની સુરક્ષા વધારી તમામ પ્લેટફોર્મ સીસીટીવીથી સજ્જ કરવાની સૂચના અપાઈ હતી
મહેસાણા રેલવે સ્ટેશનને સ્વચ્છ રાખવા કોન્ટ્રાકટ અપાયેલો છે.આમ છતાં સાંસદની મુલાકાત દરમિયાન રેલવે સ્ટેશન ઉપર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો.પ્લેટફોર્મ ઉપર પણ ઠેર ઠેર ગંદકી જોવા મળી હતી અને ઠેક ઠેકાણે પાનની પિચકારીના દ્રશ્યો જોવા મળ્યા હતા.તો આ મુલાકાત વખતે મુસાફર સિવાયના શખ્સ પણ રેલવે સ્ટેશન પરિસરમાં ફરતા જોવા મળતા આ બાબતે કાર્યવાહી કરવાની અને સ્ટેશનને સ્વચ્છ રાખવાની સૂચના આપવામાં આવી હતી