ધો.12 સામાન્ય પ્રવાહના અંગ્રેજીનાં પેપરમાં છબરડો : શિક્ષણમંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

ગુજરાતી માધ્યમના ધોરણ 12 સામાન્ય પ્રવાહના અંગ્રેજી વિષયના પેપરમાં એપ્લિકેશનનો સવાલ નહિ પૂછાતા વિદ્યાર્થીઓ નિરાશ

ધો.12  સામાન્ય પ્રવાહના અંગ્રેજીનાં પેપરમાં છબરડો : શિક્ષણમંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ આજના ધોરણ 12 સામાન્ય પ્રવાહના ગુજરાતી માધ્યમના અંગ્રેજી(SL) ના પેપરમાં આજે મોટો છબરડો બહાર આવ્યો હતો. જેમાં અંગ્રેજીના પ્રશ્નપત્રમાં વિભાગ ઇ (Section-E)  માં પ્રશ્ન-61 માં પબ્લિક સ્પીચ ના અથવા માં એપ્લિકેશન(Application) નો સવાલ માળખા મુજબ પૂછવામાં આવતો હોય છે. પરંતુ આજના પેપરમાં પબ્લિક સ્પીચના અથવા માં એપ્લિકેશનનો સવાલ ન પૂછાતા વિદ્યાર્થીઓ ચોકી ઉઠ્યા હતા અને નિરાશ થઈ ગયા હતા.

આ અંગે મોર્નિંગ ફોકસ દ્વારા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી જેમાં શિક્ષણ મંત્રીને આ અંગે માહિતગાર કરાતાં તેમણે આ બાબતે માહિતી પ્રાપ્ત કર્યા બાદ જણાવ્યું હતું કે, " યોગ્ય તપાસ કરીને વિદ્યાર્થીઓને નુકસાન ન થાય તે રીતે બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવશે. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે."

જોકે બોર્ડનું અંગ્રેજીનું પેપર જોઈને અંગ્રેજી વિષય ભણાવનાર શિક્ષકો પણ ચોકી ઉઠ્યા હતા કારણ કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષયમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ પબ્લિક સ્પીચને બદલે એપ્લિકેશન લખવી સરળ રહેતી હોવાથી એપ્લિકેશનનો જ સવાલ તૈયાર કરતા હોય છે, પરંતુ બોર્ડનું પેપર હાથમાં આવતા પબ્લિક સ્પીચના અથવા માં એપ્લિકેશન નો સવાલ પૂછાયો ન હોવાને કારણે વિદ્યાર્થીઓ હેબતેબ થઈ ગયા હતા અને નિરાશ થઈ ગયા હતા.

આ અંગે અંગ્રેજી વિષયના નિષ્ણાત વિનોદભાઈ ગજેરા જણાવે છે કે, " સામાન્ય રીતે આ વર્ષે જેટલા પણ અંગ્રેજી વિષયના પ્રકાશનો ના પ્રેક્ટિસ પેપર પબ્લિશ થયા હતા એમાં એપ્લિકેશનનો સવાલ હતો. એટલું જ નહીં શાળાઓ દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવી એમાં પણ એપ્લિકેશનનો સવાલ હતો તો બોર્ડના પ્રશ્નપત્રમાં એપ્લિકેશનનો સવાલ શા માટે ન પૂછાયો ? તે અંગે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં અવઢવ છે."

આ અંગે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ દ્વારા પણ પરીક્ષા સચિવ ને પત્ર લખીને જાણ કરવામાં આવી છે અને વિધાર્થીઓને ન્યાય આપવા માટે યોગ્ય નિર્ણય કરવાની માંગ કરાઈ છે.