નરેન્દ્ર મોદીએ આપેલું વચન ભાજપ સરકાર ભૂલી ગઈ : ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત ઘટનાના સાક્ષી
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : સમગ્ર ભારતના માતૃભક્તોનું માતૃતિર્થ એવું બિંદુ સરોવર લોકમાતા સરસ્વતીના કિનારે આવેલું છે. જ્યાં હજારો માતૃભક્તો માતૃશ્રાદ્ધ માટે આવતા હોય છે. ત્યારે વર્ષોથી સૂકીભઠ પડેલી લોકમાતા સરસ્વતી નદી ને સજીવન કરવા માટે ભારત ભરના માતૃભક્તોની લાગણી અને માગણી તીવ્ર બની હતી. જેને લઈને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 2005 આજુબાજુ ઋષિ પાંચમના દિવસે ખોરસમ પાઇપલાઇન દ્વારા નર્મદાનું પાણી સરસ્વતી નદીમાં ઠાલવ્યું હતું અને લોકમાતા સરસ્વતીને પુનઃ સજીવન કરી હતી.
ખોરસમ પાઇપલાઇન દ્વારા નર્મદાનું પાણી સરસ્વતીમાં નાખવામાં આવ્યું તે દરમિયાન યોજાયેલ કાર્યક્રમમાં તત્કાલીન ધારાસભ્ય બળવંતસિંહ રાજપુત પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સરસ્વતીને કાયમ માટે સજીવન રાખવાની હૈયાધારણા આપી હતી. પરંતુ નરેન્દ્ર ભાઈ મોદીના દિલ્હી ગમન બાદ ગુજરાતમાં રૂપાણી સરકારના શાસન થી લઈને ભૂપેન્દ્ર સરકારના શાસન સુધી એકવાર ફરીથી સરસ્વતી નદી સૂકી ભઠ બની ગઈ છે .એટલેકે મોદીના વચનની પણ આ સરકારોએ કિંમત કરી નથી.એટલું જ નહીં નદીમાં કચરાના ઢગલા પણ જોવા મળી રહ્યા છે આ ઉપરાંત ગાંડા બાવળાનું સામ્રાજ્ય પણ વધવાને કારણે દિવસે લોકમાતા સરસ્વતી લુપ્ત થઈ રહી છે.
લોકમાતા સરસ્વતી સૂકીભઠ રહેવાને કારણે આસપાસના વિસ્તારોમાં પાણીના તળ ખુબ જ નીચે જતા રહ્યા છે. આશરે 1000 ફૂટ કરતા વધારે ઊંડાઈએ પાણીનું તળ જતું રહ્યું છે.જેને લઈને આ વિસ્તારના ખેડૂતોની સ્થિતિ પણ દયનીય બની છે. કારણ કે પાણીના તળ નીચે જવાથી સિંચાઈ માટેનું પાણી પૂરું મળી શકતું નથી. જોકે રૂપાણી સરકારથી લઈને ભુપેન્દ્ર સરકાર સુધી અવારનવાર ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ જ્યારે જ્યારે સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવ્યું ત્યારે ફોટો સેશન કરવામાં કોઈ પણ જાતની કચાસ રાખી નથી. પરંતુ ફોટો સેશન બાદ વોટબેંકની રાજનીતિ કરનારા નેતાઓ શોધ્યા જડતા નથી.
ત્યારે બીલીયાના પૂર્વ સરપંચ દિલીપ પટેલ દ્વારા તાજેતરમાં સૂકી ભઠ લોકમાતા સરસ્વતીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો. જેમાં તેમણે સરસ્વતી નદીની વર્તમાન સ્થિતિ ઉજાગર કરી હતી અને મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે જો ટૂંક સમયમાં લોકમાતા સરસ્વતીમાં નર્મદાનું પાણી છોડવામાં નહીં આવે તો છેવટે ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવવાની ફરજ પડશે. જોકે દિલીપ પટેલની આ ચીમકીથી રાજકારણ ગરમાયુ છે. અત્રે નોંધનીય છે કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સરસ્વતી નદીમાં પાણી છોડવાનો કાર્યક્રમ હાથ ધર્યો હતો ત્યારે બળવંતસિંહ રાજપૂત ધારાસભ્ય હતા. જેઓ હાલમાં ભાજપ સરકારમાં ઉદ્યોગ મંત્રી છે. તો શું લોકમાતા સરસ્વતી નદીમાં કાયમ માટે પાણીનો પ્રવાહ અવિરત વહેતો રહે તે માટે સરકારમાં અસરકારક રજૂઆત કરશે કે પછી માત્ર અન્ય લોકોની જેમ વોટબેંકની રાજનીતિ જ કરશે?