પર પ્રાંતિયોનું વતન જવા માટે 500 જણનું ટોળું અને 20 જેટલી ટ્રાવેલસોનો ખડકલો જોઈ પોલીસ સ્તબ્ધ બની ગઈ ! જાણો- પછી શું થયું ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : રાજ્યમાં હાલમાં કોરોના મહામારીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, જેને લોકોમાં એવી પણ દહેશત છે કે કદાચ ફરીથી lockdown થઈ શકે છે જેને લઇને સુરત અને અમદાવાદમાં વસતા પરપ્રાંતીઓ એ હોળી ધુળેટી ના બહાને વતનની વાટ પકડી હોવાના મીડિયા અહેવાલો પ્રાપ્ત થયા છે. જોકે વતનની વાટે જઈ રહેલા આ પરપ્રાંતીઓ ને અટકાવવા માટે ભાજપના નેતાઓ પણ દોડતા થયા છે. ત્યારે બીજી બાજુ સરકારે હોળી ધુળેટી રમવા પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યારે રાજસ્થાન ના લોકો માટે હોળી ધુળેટી એ ખૂબ જ મહત્ત્વનો તહેવાર છે.
જેને લઈને ગઈકાલે શાહીબાગ વિસ્તારમાં લોકોની મોટી ભીડ જામી હતી. લોકોએ એડવાન્સમાં વધારે પૈસા આપીને બસ-ટિકિટો બુક કરાવી દીધી હતી, સાથે જ રાત્રિ કર્ફ્યૂ હોવા છતાં 500થી વધુ સંખ્યામાં લોકો એકઠા થતાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો જોવા મળ્યો હતો. શાહીબાગના નમસ્તે સર્કલ આગળ રાત્રિના સમયે રાજસ્થાન જનારા લોકોની ભીડ જોઈને લાગે કે કોઈ મેળો ભરાયો છે. મોટી સંખ્યામાં લોકોએ એડવાન્સ બુકિંગ કરાવી દીધું હતું, સાથે કેટલાક લોકો તો બુકિંગ ન કરાયું હોવાથી તેમને નોન-એસી બસના 700ને બદલે 900 ચૂકવવા પડ્યા હતા, સાથે એસી બસમાં પણ તેમણે 1200થી 1500 જેટલું ભાડું ચૂક્વ્યું હતું.
પ્રાપ્ત મીડિયા અહેવાલો મુજબ, નમસ્તે સર્કલની આજુબાજુ લગભગ 20 થી વધુ ટ્રાવેલ્સ બસની લાંબી કતાર લાગી હતી, નોંધનીય છે કે લોકો કર્ફ્યૂ બાદ પણ 9:30 વાગ્યા સુધી બસની રાહ જોઈને ઊભા રહ્યા હતા, સાથે કેટલીક ટ્રાવેલ્સની બસ અને એમની ઓફિસ પણ 9;30 વાગ્યે ચાલુ જોવા મળી હતી. જોકે પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી, પરંતુ 500થી વધારે લોકો અને 20 જેટલી બસને જોઈ તેઓ પણ મૂકપ્રેક્ષક બન્યા હતા. મહત્ત્વની વાત છે કે આ રીતે જ લોકોની ભીડ એકઠી થશે તો કઈ રીતે કોરોનાને ફેલાતો રોકી શકાશે? લોકો માસ્ક વગર બિનધાસ્ત ટોળું વળીને બસની રાહ જોઈ રહ્યા હતા.