સુરત : 33 કરોડના ખર્ચે બનેલ ઓલપાડ-સુરતને જોડતા સરોલી બ્રિજને ટૂંક સમયમાં ખુલ્લો મૂકાશે

બ્રિજ ખુલ્લો મુકાતાં વાહન ચાલકોને થશે મોટી રાહત : વાહન વ્યવહાર ઝડપી બનશે

સુરત : 33 કરોડના ખર્ચે બનેલ ઓલપાડ-સુરતને જોડતા સરોલી બ્રિજને ટૂંક સમયમાં ખુલ્લો મૂકાશે

ઓલપાડ અને જહાંગીરપુરાને જોડતા સરોલી બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે.ટૂંક સમયમાં બ્રિજનું લોકાર્પણ કરી દેવાશે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ ) : ગુજરાત નહીં સમગ્ર દેશમાં  'બ્રિજ સીટી ' તરીકે જાણીતા સુરત શહેરમાં શાસકોએ વધુ એક બિજનું નિર્માણ કર્યું છે . સરોલી સ્થિત કેનાલ અને રેલવે લાઇન ઉપરથી પસાર થઇ રહેલા બ્રિજનું તંત્ર દ્વારા રૂપિયા ૩૨ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે . લાંબા સમયથી બ્રિજ તૈયાર થઇ ચૂક્યો હોવા છતાં તેના લોકાર્પણ માટે રાહ જોવાઇ રહી હતી . આખરે આગામી ત્રણ દિવસમાં બ્રિજ ખુલ્લો મુકવામાં આવશે.

શહેરના છેવાડે ઓલપાડ - સુરતને જોડતો સરોલી બ્રિજ તૈયાર થઇ ચૂક્યો છે . આગામી બેથી ત્રણ દિવસમાં તેનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે . સંભવતઃ શનિવારે શાસકો દ્વારા બ્રિજ શહેરીજનો માટે ખુલ્લો મૂકવામાં આવશે . રેલવે વિભાગ દ્વારા એનઓસી મળતા જ બ્રિજનું લોકાર્પણ કરવા શાસકો દ્વારા તૈયારી હાથ ધરાઇ છે .

મળતી વિગતો મુજબ બ્રિજ ઉપર લોડ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ થઇ છે . લોડ ટેસ્ટ અંગેનો રિપોર્ટ રેલવે વિભાગને મોકલવામાં આવ્યો છે . આ રિપોર્ટને આધારે પાલિકા તંત્રે રેલવે વિભાગ તરફથી NOC મેળવવાનું હોય છે . આ NOC મેળવવાની કાર્યવાહી આગામી બે દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેવું તંત્રે જણાવ્યું છે . રેલવે વિભાગ તરફથી NOC મળતા જ શાસકો દ્વારા તાત્કાલિક અસરથી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે . સરોલી - ઓલપાડને જોડતા બ્રિજનું લોકાર્પણ થતાં જ પ્રતિદિન હજારો વાહનચાલકો હાશકારો અનુભવશે . ખાસ કરીને સુરત અને ઓલપાડ વચ્ચે પ્રતિદિન અવરજવર કરી રહેલા વાહનચાલકોને જૂના અને ખખડધજ બ્રિજના વપરાશમાંથી છુટકારો મળશે . નવા બિજ ઉપરથી વાહનચાલકો સડસડાટ ઓલપાડ તરફ કે જહાંગીરપુરા તરફ પસાર થઇ શકશે .