કેન્દ્રીય નાણા મંત્રાલયે GST માટે નોટિફિકેશન જાહેર કરતા વેપારીઓને રાહત
Mnf network : ગુજરાતમાં કેન્દ્રીય નાણા મંત્રાલયે નોટિફિકેશન જાહેર કરતા વેપારીઓને રાહત થઇ છે. જેમાં સુરત, અમદાવાદ તેમજ રાજકોટમાં જીએસટી ટ્રિબ્યૂનલ બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસટી લાગુ કરાયાના છ વર્ષ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં સુરત, અમદાવાદ અને રાજકોટ ખાતે ટ્રિબ્યૂનલ બનાવાશે.
આ માટે કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે સત્તાવાર જાહેરનામું બહાર પાડતા આગામી દિવસોમાં સુરત ઉપરાંત અમદાવાદ અને રાજકોટ ખાતે ટ્રિબ્યૂનલ બનાવવામાં આવશે.
1 જુલાઇ 2017ના રોજ જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વેપારીઓને ફટકારવામાં આવતી વસુલાતની આડેધડ નોટીસનો નિકાલ કરવા માટે હાઇકોર્ટ સુધી ધક્કા ખાવા પડતા હતા. આ માટે જ જીએસટી ટ્રિબ્યૂનલ બનાવવા માટેની વખતો વખત રજુઆત પણ કરવામાં આવતી હતી. આ માટેનો નિર્ણય પણ ગત જીએસટી કાઉન્સીલની બેઠકમાં લેવામાં આવ્યો હતો. પરંતુ જ્યાં સુધી તેનુ જાહેરનામું બહાર નહીં પડે ત્યાં સુધી તેનો સત્તાવાર રીતે અમલ થઇ શકે તેમ નહોતો.
આ ઉપરાંત દાદરા નગર હવેલી, દમણ અને દીવને લગતા જીએસટીના કેસ સુરત ખાતે ચલાવવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જીએસટીની રકમ વધુ ભરવા, ટેક્સની રકમમાં વિસંગતતા, અધિકારીઓ દ્વારા કરવામાં આવતી એક તરફી કાર્યવાહીની સાથે સાથે કેટલાક કિસ્સામાં વેપારીઓના બેંક ખાતા સીઝ કરી દેવાના કારણે વેપારીઓના વેપાર પર સીધી અસર પડતી હોય છે.