ઊંઝા : લ્યો બોલો ! પાલિકાના કાર્યકારી પ્રમુખ ને હવે પ્રમુખ બનવાના અભરખા જાગ્યા ?
ઊંઝા નગરપાલિકાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીની આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ
આમંત્રણ પત્રિકામાં કાર્યકારી પ્રમુખને પ્રમુખ તરીકે દર્શાવવામાં આવતા મુદ્દો ચર્ચાસ્પદ બન્યો
અગાઉ દીક્ષિતભાઈ પટેલે પ્રમુખ પદેથી રાજીનામું આપતા પ્રિયંકાબેન પટેલને કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઈ હતી.
પ્રમુખ પદની ચૂંટણી માટે આગામી 30 જાન્યુઆરી ની તારીખ જાહેર કરવામાં આવી છે
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના & દિખા સો લિખા) : ઊંઝા નગરપાલિકામાં પ્રમુખ પદેથી દીક્ષિતભાઈ પટેલે રાજીનામું આપતા ઉપ-પ્રમુખ પ્રિયંકાબેન પટેલને કાર્યકારી પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા હતા પરંતુ તાજેતરમાં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી નિમિત્તે વાઇરલ થયેલ પાલિકાની આમંત્રણ પત્રિકા ને લઈને હવે આ કાર્યકારી પ્રમુખને ક્યાંક ને ક્યાંક પ્રમુખ બનવાના અભરખા જાગ્યા હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા નગરપાલિકા દ્વારા આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણીની એક આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં ગાંધી ચોક ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિન પર્વ ની ઉજવણીમાં પાલિકા પ્રમુખ પ્રિયંકાબેન પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે એવું લખવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે દીક્ષિતભાઈ પટેલના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ પ્રિયંકાબેન પટેલને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેમજ પ્રમુખ પદની ચૂંટણી આગામી 30 જાન્યુઆરીના રોજ યોજવાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ત્યારે આમંત્રણ પત્રિકામાં કાર્યકારી પ્રમુખને બદલે પ્રમુખ નો હોદ્દો દર્શાવવામાં આવતા નગરમાં અનેક અટકળો શરૂ થઈ છે.