વીર કવિ નર્મદ ની જન્મજયંતી

વીર કવિ નર્મદ ની જન્મજયંતી

સાહિત્યસર્જનની સાથોસાથ કવિ નર્મદે સમાજને બદલવા હાકલ કરી અને સમાજની કુરૂઢિઓ, કુરિવાજો સામે બંડ પોકાર્યું હતું, એટલે જ કવિ નર્મદ દુનિયાના એક માત્ર સાહિત્યકાર છે, જેમના નામ આગળ 'વીર' લખાય છે.

તા.24મી ઓગસ્ટ એટલે વીર કવિ નર્મદાશંકર લાલશંકર દવેની જન્મજયંતિ. જેમણે વિચારોની આંધીથી ઈતિહાસ સર્જ્યો, જેમણે ગુજરાતી ભાષાનો પહેલો શબ્દકોષ આપ્યો, કવિતાઓ, નિબંધ અને લેખોમાં સત્ય, સંઘર્ષ, ટેક અને નેમથી સાહિત્ય અને સમાજમાં આમૂલ પરિવર્તન આણ્યું એવા વીર કવિ નર્મદને યાદ કરીએ ત્યારે ગુજરાતી સાહિત્યની અસ્મિતાના પ્રતિક અને પ્રખર સુધારાવાદી કવિ, સાહિત્યકારની છબી આપણી સામે તરવરી રહે છે. તેઓ કહેતા કે 'મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે..' 'જય જય ગરવી ગુજરાત'ની આગવી રચનામાં ગુજરાતનો અમૂલ્ય વારસો અને એની ભવ્યતાને સમાવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું, આ અમર રચના આજે ગુજરાતના આબાલવૃદ્ધ સૌની જીભે સાંભળવા મળે છે.