ઊંઝા નગર પાલિકામાં સત્તા આરૂઢ કરવામાં કોણ બનશે કિંગ મેકર ? નગરજનોને સ્થિર શાસન મળશે ખરું ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ઊંઝા નગરપાલિકા ની ચૂંટણી શરૂઆતથી જ ખૂબ જ રસપ્રદ બની હતી. જોકે તાજેતરમાં આવેલા ઊંઝા નગરપાલિકાના ચૂંટણી પરિણામોમાં ભાજપને 19 સીટ પ્રાપ્ત થઈ છે. જ્યારે કામદાર પેનલની 15 સીટ પર જીત થઇ છે. તો વળી બે સીટ પર અપક્ષ નો દબદબો રહ્યો છે. જેમાં વોર્ડ નંબર 2 માં સૌથી યુવાન અપક્ષ ઉમેદવાર ભાવેશ પટેલ ની જીત થઇ છે.
જોકે નગરપાલિકામાં ભાજપને પાતળી સરસાઈ મળી છે.36 બેઠકો પર ભાજપે ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જો કે ભાજપે સત્તા નું સુકાન સંભાળવા માટે 19 ની બહુમતી મેળવી છે.પણ બોડી બનાવવા માટે અપક્ષોનો મત ખૂબ જ નિર્ણાયક બની રહેશે.
જેમ ભાજપ સત્તા મેળવવા માટે તોડ જોડ ની નીતિ અખત્યાર કરવા માટે પંકાયેલું છે ત્યારે ઊંઝા નગર પાલિકામાં સત્તા નાં સૂત્રો સંભાળવાના દીવાસ્વપ્નોમાં રાચતા ભાજપ સામે જ કદાચ આ નીતિ અખત્યાર થાય તો ઊંઝા નગર પાલિકામાં સત્તા નું સૂકાન સંભાળવાનું ભાજપનું સ્વપ્ન ચકનાચૂર થઈ શકે છે.
ભાજપના દિગજજો હાર્યા.....
ઊંઝા નગરપાલિકાના ચૂંટણીના પરિણામો ખૂબ જ રસપ્રદ રહ્યા છે. આ પરિણામમાં ભાજપે પાતળી સરસાઈ મેળવી છે. જોકે સૌથી ચોંકાવનારા પરિણામો તો એ હતા કે ભાજપના દિગજજો નગરપાલિકામાં હાર્યા છે એમાંય ઊંઝા શહેર ભાજપના કાર્યકારી પ્રમુખ સહિત ભાજપના કેટલાક દિગ્ગજો હારી ગયા છે.
ધમા મિલન સામે થયેલા કેસ થી બાજી પલટાઈ ?
ઊંઝા નગરપાલિકામાં ભાજપ અને કામદાર પેનલનો ચૂંટણીપ્રચાર જ્યારે ચરમસીમાએ હતો તે સમયે કામદાર પેનલના કર્તા હર્તા ધમા મિલન સામે જીએસટી મુદ્દે કેસ નોંધાયો હતો જેના સમાચાર વાયુવેગે પ્રસરી જતા ૫૦૦થી વધારે લોકોનું ટોળું ઊંઝા પોલીસ સ્ટેશનમાં એકત્ર થયું હતું અને ધમા મિલન ની ધરપકડ નહીં કરવા માટે નારેબાજી કરી હતી. જોકે આ ઘટનાથી ભાજપને ક્યાંકને ક્યાંક નુકસાન થયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જેથી 25 જેટલી સીટો પર જીત મેળવવાની આશા રાખનાર ભાજપે 19 જેટલી બેઠકો ઉપર પાતળી સરસાઈથી જીત મેળવીને સંતોષ માનવાનો વારો આવ્યો છે.