વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી શા માટે ફાળો એકત્ર કરવા રસ્તા ઉપર ઉતર્યા ? કારણ જાણીને તમે પણ ધન્યવાદ આપશો
મોર્નિંગ ન્યુઝ ફોકસ, વડગામ : હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે જેમાં રૂપાણી સરકાર આરોગ્યલક્ષી સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. ક્યાંક હોસ્પિટલમાં બેડ ખાલી નથી, તો ક્યાંક ઇન્જેકશનના કાળાબજાર થઈ રહ્યા છે,ક્યાંક વેન્ટિલેટરનો અભાવ છે, તો વળી ઓક્સિજન ના અભાવને લીધે દર્દીઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે વડગામના અપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોતાના વિસ્તારના કોરોના ગ્રસ્ત દર્દીઓ ને ઓક્સિજન પૂરતો મળી રહે તે માટે એક મહત્વનું કદમ ભર્યું છે.
જીગ્નેશ મેવાણી એ પોતાના મત વિસ્તારમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા અને ઓક્સિજન કોન્સેન્ટ્રેટર ખરીદવા માટે નક્કી કર્યું છે જેને લઈ હાલમાં 60 લાખ રૂપિયાની જરૂરિયાત હોય તેઓ ફાળો એકત્ર કરવા માટે ખુદ ડોનેશન બોક્સ લઈને પાલનપુરના રસ્તા ઉપર લોકો પાસેથી ફાળો એકત્ર કરતા જોવા મળ્યા હતા. જેના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
જીગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે, મારા વિસ્તારના લોકોનો જીવ બચાવવા માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. મેવાણી એ પોતાની ટીમ સાથે પાલનપુરના રસ્તા ઉપર દાન એકત્ર કર્યું હતું. જેમાં બે કલાકમાં બાર હજાર રૂપિયા જેટલો ફાળો એકત્ર થયો હતો. આ ઉપરાંત તેઓ જણાવે છે કે તેમના વિસ્તારમાં રાશનની દુકાન ચલાવનાર વેપારીઓએ ૫૧ હજાર રૂપિયા નો ફાળો આપ્યો છે. આમ સરકાર જ્યારે લોકોને ઓક્સિજન પૂરો પાડવામાં નિષ્ફળ નીવડી રહી છે, ત્યારે મેવાણી એ પોતાના મત વિસ્તારના લોકોને ઓક્સિજનના અભાવે જીવ ગુમાવવો ન પડે તે માટે ઓક્સિજન પ્લાન્ટ લગાવવાનું નક્કી કર્યું છે જેના માટે ફાળો એકત્ર કરવા તેઓ ખુદ રસ્તા ઉપર ઉતર્યા હતા. તેમની આ કામગીરી ને લઇને સોશિયલ મીડિયામાં તેમની પ્રશંસા થઈ રહી છે.