સુરત/ નર્મદ યુનિવર્સિટીમાં 1100 રૂપિયામાં થશે અયોધ્યાના રામમંદિર અને ઈતિહાસનો કોર્સ, 12 વર્ષથી ઉપરના કરી શકશે અભ્યાસ

સુરત/ નર્મદ યુનિવર્સિટીમાં 1100 રૂપિયામાં થશે અયોધ્યાના રામમંદિર અને ઈતિહાસનો કોર્સ, 12 વર્ષથી ઉપરના કરી શકશે અભ્યાસ

Mnf network:  અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશભરના લોકો ગૌરવભેર લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભગવાન શ્રીરામ અયોધ્યા મંદિર અંગેના કોર્સની શરૂઆત કરવામાં આવી છે. બાર વર્ષથી લઈ મોટી વય સુધીના કોઈપણ વ્યક્તિ આ કોર્સ કરી શકે છે. જે કોર્સ કરનાર વ્યક્તિને યુનિવર્સિટી દ્વારા બે ક્રેડિટ પણ આપવામાં આવશે.

કોર્સ નો મુખ્ય હેતુ ભગવાન શ્રીરામના મંદિર અને તેની પાછળના ઇતિહાસ અંગે લોકોને જાણકારી આપવાનો છે. યુનિવર્સિટી દ્વારા કોર્સની ફી 1100 રૂપિયા રાખવામાં આવી છે અને આ કોર્સ નો સમયગાળો 30 કલાકનો રાખવામાં આવ્યો છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા ના જણાવ્યા અનુસાર, અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ ખાતે હાલ જ ભગવાન શ્રીરામના ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થાય છે.આ ઐતિહાસિક ક્ષણના દેશભરના લોકો સાક્ષી બન્યા છે. જે બદલ સમગ્ર સનાતન ધર્મ અને હિન્દુ સમુદાય ગૌરવભેર લાગણી વ્યક્ત કરી રહ્યું છે. ભગવાન શ્રીરામ અને તેમના મંદિર પાછળના ઇતિહાસ અને થયેલા આંદોલનો અંગેની જાણકારી લોકોને મળી રહે તે માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભગવાન શ્રીરામ અયોધ્યા મંદિર નામના કોર્સની શરૂઆત કરવામાં આવી છે.આ કોર્સ બાર વર્ષથી લઈ મોટી વય સુધીના કોઈ પણ નાગરિક કરી શકે છે.