મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : સ્મશાનમાં ઉભેલા એક વ્યક્તિના ફોનની ઘંટડી વાગી અને તરત જ ખિસ્સામાંથી ફોન કાઢીને હેલ્લો બોલવા જાય ત્યાં તો સામેથી સવાલ થયો, "કયા છો ?" વળતો જવાબ આપતા કહ્યું, " સ્મશાનમાં છું." 'તમે સ્મશાનમાં છો, હું હવે શું વાત કરું. પાછા ક્યારે આવશો?' અને સ્મશાનમાં ઉભેલા એ વ્યક્તિના ચહેરા પરના ભાવ બદલાઈ ગયા.મનમાં સવાલોનું તોફાન ઉઠ્યું.
ફોન કરનાર વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ તત્કાલીન વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીજી હતા.એકાએક વાજપેયીજીનો સીધો ફોન આવવાની આ પ્રથમ ઘટના હતી.જો કે મનમાં ચાલતી ગડમથલ શમવાનું નામ નહોતી લેતી.પણ સ્મશાન માંથી સીધા હવે દિલ્હી જવાનું હતું. વાત એમ છે કે તે સમયે કૉંગ્રેસ નેતા માધવરાવ સિંધિયા સાથે આજ તકના કૅમેરામૅન ગોપાલ બિષ્ટ કે જેઓ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા હતા. જેમની સ્મશાનયાત્રામાં હાજરી આપવા માટે નરેન્દ્ર મોદી ગયા હતા. ત્યારે વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ નો નરેન્દ્ર મોદી ઉપર ફોન આવ્યો હતો અને તેમને સ્મશાનેથી સીધા દિલ્હી આવવા માટે સૂચના આપવામાં આવી હતી.
દિલ્હી પહોંચેલા નરેન્દ્ર મોદીને ગુજરાતની ગાદી સંભાળવા માટેનો આદેશ આપવામાં આવ્યો. છેવટે 7 ઓક્ટોબર 2001 ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના પ્રથમવાર શપથ લીધા હતા.જે દિવસે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા તે દિવસ થી ગુજરાતની દિશા અને દશા બદલાવવા ની શરૂઆત થઈ.કૉમી રમખાણો અને હુલ્લડો થી બદનામ થયેલ ગાંધી અને સરદારના ગુજરાતની જનતાના નસીબમાં કદાચ વિધાતાએ કાંઈક નવું જ લખ્યું હશે.
જેને રાજકારણનો એકડોય ઘૂટયો નહોતો એવા નરેન્દ્ર મોદી ને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથને વિરોધીઓ કેવી રીતે જોતા હશે એ કલ્પના કરવા કરતાં એ ચોક્કસ થી વિચારવું રહ્યું કે ભાજપના જ કેટલાક નેતાઓ ને પણ કદાચ એમ હશે કે કેશુબાપા ને હટાવી નરેન્દ્ર મોદી ને મુખ્યમંત્રી બનાવવા થી કાંઈ જાજો ફર્ક નહિ પડે.પણ એ કોઈ જાણતું નહિ હોય કે મોદી એમની અરજી થી નહિ પણ કદાચ વિધાતાની મરજીથી સક્રિય રાજકારણમાં આવ્યા હતા.