"ગુજરાત એ ચાર અક્ષરનો શબ્દ માત્ર નથી, લાખો લોકોના સપનાં સાકાર કરવાનું સ્થળ છે"
Mnf network: 15મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રના આરંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગૃહમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, બે દાયકા પહેલાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સ્વરૂપે વવાયેલું બીજ આજે વિશાળ વાઈબ્રન્ટ વટવૃક્ષ બની ગયું છે. 'ગેટવે ટુ ધ ફ્યુચર' થીમ સાથે અભૂતપૂર્વ સફળતાપૂર્વક યોજાયેલી ૧૦ મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિકસિત ભારત @ ૨૦૪૭ માટે રાજ્યના રોડમેપના લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે સીમાચિહ્નરૂપ બની રહેશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માનવીય સંવેદનાથી ધબકતી, આર્થિક પ્રગતિ અને માનવશક્તિના વિકાસને વરેલી રાજ્ય સરકાર સામાન્ય માનવીની સર્વાંગી સુખાકારી, પાયાની જરૂરિયાતોની પૂર્તિ અને રાજ્યની વિકાસયાત્રામાં તમામ નાગરિકોની ભાગીદારીના ધ્યેય સાથે સતત કાર્યરત છે. ગુજરાતના સામાન્ય પ્રજાજનને રાજ્યના વિકાસની અનુભૂતિ થઈ રહી છે. સરકાર તેઓની પડખે છે એવો અહેસાસ પ્રજાને થાય તેવું દાયિત્વ રાજ્ય સરકારે નિભાવ્યું છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે અને તેને વધુ મજબૂત બનાવવાની આપણા સૌની જવાબદારી છે.પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આજ સુધીમાં ૧૫ હપ્તામાં કુલ રૂપિયા ૧૫,૪૦૭.૮૨ કરોડની રકમ ૬૪.૧૩ લાખ લાભાર્થી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામાં આવી છે.