રાધનપુર : પાલિકાની નબળી કામગીરી સામે વેપારીઓમાં રોષ : ચીફ ઓફિસરે શું કહ્યું ?
રાધનપુર લાટી બજારના વેપારીઓ નગરપાલિકાની કામગીરી થી નારાજ
વેપારીઓ ગંદકીનો ભોગ બની રહ્યા
વેપારીઓ દ્વારા નગરપાલિકા સમક્ષ લેખિતમાં સફાઈ કરાવવાની કરી માગણી
નગરપાલિકાના ચીફ ઓફિસરે તાત્કાલિક પગલા ભરવા આપી ખાતરી
મોર્નિંગ ન્યુઝ ફોકસ (મનુભાઈ ઠક્કર રાધનપુર) : પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા ની કામગીરીથી લાટી બજારના વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી છે અને નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
લાઠી બજારના વેપારી મણિલાલ ઈશ્વરભાઈ પંચાલ દ્વારા મામલતદાર ને અને ચીફ ઓફિસરને લેખિત અરજી આપી લાટી બજારમાં ગટરની સમસ્યા અને સફાઈની કામગીરી થતી નથી તેમજ સ્ટ્રીટ લાઇટ બંધ હોય તેવી અનેક સમસ્યાઓને લઈને લેખિત અરજી કરવામાં આવી છે.
લાટી બજાર ખાતે નગરપાલિકાની ટીમ દ્વારા સાફ-સફાઈની કામગીરી ન કરવામાં આવતી હોઇ વેપારીઓની દુકાનો પાસે કચરાના ઢગલા પડ્યા હોઇ ગટરના ગંદા પાણી વહેતા થતા લાટી બજારના વેપારી દ્વારા લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી તંત્ર એટલે કે નગરપાલિકાના પેટનું પાણીયે હાલતું નથી. અત્રે નોંધનીય છે કે, રાધનપુરની નગરપાલિકામાં હાલ વહીવટદાર અને ચીફ ઓફિસર નું શાસન છે.
ચીફ ઓફિસરે શું કહ્યું ?
આ અંગે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા ચીફ ઓફિસર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા એક અઠવાડિયાથી રજા ઉપર છે અને આવતીકાલે સોમવારે તેઓ પોતાની ફરજ પર હાજર થવાના છે ત્યારે આ બાબતે તપાસ કરાવીને તાત્કાલિક પગલાં ભરવાની તેમણે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.