સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પૂર્વે સંજય રાવલના આ નિવેદનથી ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોને મિર્ચી લાગશે, સાંભળો વિડીયો
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભારે રસાકસી જામી રહી છે ત્યારે ગુજરાતના ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય મોટીવેશનલ સ્પીકર સંજય રાવલે મતદાતાઓને મતદાન કરવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે જે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.
સંજય રાવલ એ પોતાના વતન પાલનપુર નો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે વિવિધ રાજકીય પક્ષો જે લોકોને ટિકિટ આપે છે એ કયા પેરામીટર થી આપે છે એ તો નથી સમજાતું પરંતુ જે લોકો ચૂંટણીમાં ઉતરે છે એમની પાસે કોઈ ચોક્કસ વિઝન હોતું નથી અને એટલા માટે જ શહેરોમાં રોડ-રસ્તા, બાગ બગીચાઓ ના ઠેકાણાં હોતા નથી. જે લોકોને શહેરના વિકાસનું કોઈ જ્ઞાન હોતું નથી એવા લોકોને પાર્ટી ટિકિટો આપે છે એટલે એ સિમ્બોલ પર જીતી જતા હોય છે બાકી એમને કોઈ 10 વોટ ના આપે કે કોઈ 5000 ઉછીના પણ ન આપે.
સમગ્ર ગુજરાતની મહાનગર પાલિકાઓ, નગરપાલિકાઓમાં ૫૦ ટકા ઉમેદવારો સારા પણ હોય જ છે. મતદારોને સંબોધતા સંજય રાવલ કહે છે કે મતદાન કરતી વખતે તમે મુખ્યમંત્રી કે વડાપ્રધાનને જોઈને મતદાન ન કરશો એમની ધારાસભ્યની અને સાંસદોની ચૂંટણીઓ અલગ હોય છે. એમના સ્તરે હોય છે. જ્યારે નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સ્થાનિક લેવલની હોય છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લોકલ પ્રશ્નો ની વાત હોય છે આમાં મુખ્યમંત્રી કે વડાપ્રધાન નો કોઈ રોલ નથી હોતો. પાર્ટી કોને ટિકિટ આપે છે એ નહિ પરંતુ ખરેખર જે લોકોના મનમાં શહેર નું હિત હોય, ભ્રષ્ટાચારનો કોઇ ઇરાદો ન હોય એવા ઉમેદવારોને મત આપો એ જ સૌથી મોટી સમાજસેવા અને દેશ સેવા છે.
જાહેર રસ્તાઓ પર ગંદકી ઓ ના ઢગલા, શૈક્ષણિક સંસ્થાઓ આગળ ગંદકી, રસ્તાઓ ખાડામાં કે ખાડામાં રસ્તા, પાઈપલાઈનો માટે રોડ ખોદાય તો છ છ મહિના સુધી ધૂળ ખાવાની આ બધું આપણે કેવી રીતે ચલાવી લઈએ છીએ ?
ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીએ કયા ઉમેદવારને ટિકિટ આપી છે એ જોઇને નહિ પરંતુ કયો ઉમેદવાર તમારા સ્થાનિક પ્રશ્નોને વાચા આપી શકે છે એને જોઈને મતદાન કરજો. અત્યારે તો ટીકીટના ભાવ બોલાઇ રહ્યા છે. સાંભળીને ખૂબ જ દુઃખ થાય છે. સ્થાનિક લેવલે થતા વિકાસના કામો માં મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે જેથી હવે મતદારોએ જાગવાની જરૂર છે અત્યારે ગામડાઓ અને નાના નાના શહેરો તૂટી રહ્યા છે.
ઉમેદવાર ભલે અપક્ષ હોય પરંતુ એ તમારા વોર્ડ નો વિકાસ કેટલો સારી રીતે કરી શકે છે એ જોઈને મતદાન કરજો, નહિ કે ભાજપ કોંગ્રેસ નો સિમ્બોલ જોઈને. સેવા કરવા માટે આવનારા ઉમેદવારને જીતાડજો, ઘર ભરવા માટે આવનાર અને વ્યાજે પૈસા ફેરવવા માટે ચૂંટણી લડનારાને જાકારો આપજો. લુખ્ખાઓને જીતાડવા ને બદલે સારા ઉમેદવારોને પસંદ કરજો જેથી પાર્ટી પણ બીજી વાર આવા લુખ્ખાઓને ટીકીટ આપતા પહેલા વિચાર કરે.
સંજય રાવલ એ તમામ પક્ષોને આડે હાથ લેતા વીડિયોમાં જણાવ્યું છે કે મતદારોએ ભાજપ કોંગ્રેસ ના નામે મારામારી કરવાની જરૂર નથી, કારણ કે જે લોકો તમને લડાવીને રાજકીય પાર્ટીઓમાં વિભાજિત કરે છે એ જ લોકો સાંજે હોટલમાં બેસીને સાથે જમતા હોય છે. ચૂંટણીના ઝઘડાઓ તમારા ઘર સુધી લઈ આવશો નહીં, નહીં તો તમારા ઘરમાં પણ રાજકીય ગંદકી આવી જશે. નાત જાત ના ભેદભાવો ભૂલીને નિષ્પક્ષ રીતે મતદારોને મતદાન કરવા માટે સંજય રાવલ એ આહવાન કર્યું છે.
વિડીયો સાંભળવા નીચેની લિંક પર ક્લિક કરો....