સુરત : નવનિયુક્ત મેયર દક્ષેશ માવાણી સામે કયો છે સૌથી મોટો પડકાર ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : સુરતમાં હેમાલી બોઘાવાલા નો કાર્યકાળ પૂર્ણ થતાં નવા મેયર તરીકેની જવાબદારી દક્ષેશ માવાણીના શિરે સોંપવામાં આવી છે. હેમાલી બોઘાવાલા ની અઢી વર્ષની કામગીરી ઠીક ઠીક રહી છે. જોકે તેમના કાર્યકાળમાં સુરત ને આગળ ધપાવાના વિકાસના કામો પણ થયા છે.પરંતુ સૌથી મોટી નબળાઈ એ રહી છે કે સ્માર્ટ સિટી સુરત તેમના કાર્યકાળ દરમિયાન રખડતા ઢોરોનો તબેલો બની ગયું છે.
ત્યારે હવે સુરતના નવા મેયર બનેલ દક્ષેશ માવાણી ની સામે પણ રખડતા ઢોરોના ત્રાસમાંથી નગરજનોને મુક્તિ અપાવવી એ સૌથી મોટો પડકાર રહેશે. શહેરી વિસ્તારમાં રખડતા ઢોરોને કારણે અવારનવાર નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવતા હોવાની અનેક ઘટનાઓ મીડિયામાં સામે આવી છે. ત્યારે કોણ જાણે કેમ તંત્ર આંખે પાટા બાંધીને બેઠેલું રહે છે. રખડતા ઢોરોને અંકુશમાં લાવવા માટે સરકાર માત્ર કાગળના વાઘ બનાવે છે પરંતુ તેને અમલમાં મૂકી શકતી નથી.
સુરતમાં પણ અનેક વિસ્તારોમાં રખડતા ઢોરોનો જમેલો અવારનવાર જોવા મળતો હોય છે. જેને પરિણામે નાના-મોટા અકસ્માતો વિશે પણ સાંભળવા મળતું હોય છે. ત્યારે હવે નગરજનોને આ રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં નવ નિયુક્ત મેયર દક્ષેશ માવાણી કોઈ ચોક્કસ પોલીસી અપનાવી અને અસરકારક કામગીરી કરશે કે પછી પૂર્વ મેયર ની જેમ માત્ર રબર સ્ટેમ્પ બની રહેશે એ તો હવે આવનાર સમયે જ બતાવશે.