ઉત્તર ગુજરાતની ઊંઝા સીટ પર ભાજપનું કોકડું ગૂંચવાયું ? PM મોદી માટે આ સીટ છે પ્રતિષ્ઠાનો સવાલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ની તારીખો નક્કી થતાં હવે વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરાવી દેવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારો ની યાદી પ્રસિદ્ધ કરવા માટે હાલમાં દિલ્હીમાં મનોમંથન ચાલી રહ્યું છે. જોકે આ મનોમંથન બાદ માત્ર ગણતરીના સમયમાં જ ભાજપ ઉમેદવારો ની યાદી જાહેર કરશે ત્યારે મહત્વની એવી ઉત્તર ગુજરાતની ઊંઝા સીટ પર ઉમેદવારોને લઈને કોકડુ ગૂંચવાયું હોવાનું મનાઈ રહ્યું છે.
આ વખતે ઊંઝા સીટ પરથી ચૂંટણી લડવા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન 50થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જોકે આ વખતે આ સીટ પર ત્રણ સક્ષમ મહિલાઓ એ પણ ઉમેદવારી નોંધાવી છે. એટલું જ નહીં પરંતુ વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી એવા ઋષિકેશ પટેલે પણ આ સીટ પરથી ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવતા સ્થાનિક રાજકારણ જબરદસ્ત ગરમાયું છે અને ભાજપમાં અંદરો અંદર વિરોધ નો સુર ઉઠ્યો છે.
ઊંઝા વિધાનસભા સીટની વાત કરીએ તો તેમાં ઊંઝા શહેર ગ્રામ્ય વિસ્તાર તેમજ પ્રધાનમંત્રી નું વતન વડનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય છે.જોકે ઊંઝા વિધાનસભા સીટ પર ભાજપ જે ઉમેદવાર પસંદ કરે તે એવો હોવો જોઈએ કે જેનો સંપર્ક ઊંઝા અને વડનગરના મતદારો સાથે સીધો હોઈ શકે. એટલું જ નહીં પરંતુ આ બંને શહેરી અને ગ્રામ્ય વિસ્તારના મતદારોથી આ ઉમેદવાર પરિચિત હોય તો અને તો જ ભાજપ માટે ચૂંટણી જીતવી શક્ય બની શકે છે. જોકે ઊંઝા ને પાટીદારોનો ગઢ માનવામાં આવે છે. પરંતુ વડનગરમાં પાટીદારો કરતાં ઓબીસી મતોનું પ્રભુત્વ વધારે રહેલું છે તેથી વડનગરના મતદારો ભાજપની જીતમાં મહત્વનો ભાગ ભજવે છે. જોકે વડનગર એ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીનું વતન છે તેથી ઊંઝા સીટ પર ભાજપની જીત થવી ભાજપ માટે ખૂબ જરૂરી છે તેથી ઉમેદવારને લઈને ખુદ પ્રધાનમંત્રી પણ મનોમંથન કરશે ત્યાર પછી જ આ સીટ પર સક્ષમ ઉમેદવારને ઉતારશે.