સી.આર.પાટીલે ' ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા' નો લીધો નિર્ણય, સોશ્યલ મીડિયામાં ટીકા
રાજ્યમાં કોરોના વકર્યા બાદ સી.આર.પાટીલને જ્ઞાન થયું કે રેલીઓ અને સમારંભો ના યોજવા.
જો કે સી.આર.પાટીલ ખુદ તેમના જન્મદિને જે સમારંભ માં હતા ત્યાં જ માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસનો અભાવ જોવા મળ્યો હતો.
ગુરુ ગોળ ખાય ને ચેલા ને ગોળ ના ખાવાની શિખામણ આપે ત્યારે અમલની આશા કેટલી ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : : ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ચંદ્રકાંત પાટીલ ની નિયુક્તિ થઈ તે પછી તેમણે કોરોનાની મહામારી ની સ્થિતિમાં પણ અનેક જગ્યાએ સમારંભો અને રેલીઓ યોજી હતી અને રાજકીય તાયફાઓ કરવામાં કાંઈ બાકી રાખ્યું ન હતું જેને લઇને કોરોના નું સંક્રમણ વધવા લાગ્યું હતું. તો વળી ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ જેમાં નેતાઓએ સમારંભો અને રેલીઓના તાયફા શરૂ કર્યા જેને લઇને રાજ્યમાં કોરોના એ ફરીથી માથું ઊંચક્યું છે.હાલમાં રાજ્યમાં મહાનગરોમાં લોકડાઉન જેવી જ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે હવે તબેલા માંથી ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાનો નિર્ણય સી.આર.પાટીલે લીધો છે.
પ્રજાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર માત્ર પોતાનું રાજકીય લાભ ખાટવા નેતા ઓ હવે તમામ દોષનો ટોપલો પ્રજાના માથે ઢોળી રહ્યા છે.રાજ્યમાં કોરોના ફરી વકરતા પ્રદેશ ભાજપે મોટો નિર્ણય કર્યો છે. ભાજપ રાજ્યભરમાં સન્માન સમારોહ, જાહેર કાર્યક્રમોનું આયોજન કરશે નહીં. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે હોદ્દેદારોને આ અંગે સુચન કર્યા છે. જિલ્લા અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ પ્રદેશ નેતાઓને સૂચન કર્યા છે. તેમણે કાર્યકર્તાઓને કોરોનાની ગાઈડલાઈન અનુસરવા અપીલ કરી છે. આ સાથે વધુમાં કોરોનાના રસીકરણના સેવાકાર્યમાં જોડાવા પણ કાર્યકર્તાઓને હાંકલ કરી છે.જો કે પાટીલે રહી રહીને નિર્ણય લીધો હોઇ સોશ્યલ મીડિયામાં ટીકા થઈ રહી છે.
તો વળી એક તરફ રાજ્યના 4 મહાનગરોમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે ગાંધીનગર માં મહાનગરપાલિકાની ચૂંટણીનું એકવાર પુનઃ બ્યુગલ વાગ્યું છે. ત્યારે આ મામલે સામાન્ય પ્રજા રોષ વ્યકત કરી રહી છે કે એક તરફ કામ ધંધા બંધ કરાવી રહ્યા છો અને બીજી તરફ જનમેદનીને ભેગી કરીને કોરોનાને આમંત્રણ આપવાનું કામ કરી રહ્યા છે. નેતાઓ ચૂંટણી કરે અને બાદમાં ભોગવવાનો વારો સામાન્ય પ્રજાને આવે છે તેવા આક્ષેપો કરાઈ રહ્યા છે. જો કે ચૂંટણી યોજાશે તો સમારંભો,રેલીઓ ના તાયફાઓ તો થવાના જ છે.જેનું પ્રજાએ સહન કરવું પડશે.