કમીશ્નર પાસ, મેયર નાપાસ : SMC કમીશ્નરે ફરિયાદ સાંભળી તરત જ એક્શન લીધા જ્યારે મેયરે ફોન ઉપાડવાની તસ્દી ન લીધી, જાણો સમગ્ર મામલો

કમીશ્નર પાસ, મેયર નાપાસ : SMC કમીશ્નરે ફરિયાદ સાંભળી તરત જ એક્શન લીધા જ્યારે મેયરે ફોન ઉપાડવાની તસ્દી ન લીધી, જાણો સમગ્ર મામલો
તસ્વીરમાં ડાબે કમિશ્નર શાલિની અગ્રવાલ અને જમણી તરફ મેયર હેમાલિબેન બોઘાવાલા દ્રશ્યમાન થાય છે.

મેયરને ફોન કર્યો તો ફોન ઉપાડી તરત જ કટ કરી દીધો

કમીશ્નર મેડમે તરત જ ફરિયાદ સામે એક્શન લીધા.

મેયરને લોકોની મુશ્કેલીઓ સાંભળવને બદલે પોતાનું સ્થાન ટકાવી રાખવામાં વધારે રસ છે.

લોકો માટે વ્યસ્ત રહેવાને બદલે મેયર કાર્યક્રમોમાં વધારે વ્યસ્ત રહે છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરત પીપલોદ ખાતે આવેલ લેક્વ્યું ગાર્ડનમાં  દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને એમાંય ખાસ કરીને હવે ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે સાંજના સમયે અબાલ વૃદ્ધ થી લઈને નાના બાળકો સાથે અનેક પરિવારો અહીં મનને પ્રફુલિત કરવા માટે આવતા હોય છે. ત્યારે ગાર્ડનમાં આવેલા તળાવમાં છેલ્લા કેટલાય સમયથી પાણી પર લીલ જોવા મળી રહી છે.

(તસવીરમાં લેકવ્યુ ગાર્ડનમાં આવેલા તળાવમાં પાણી ઉપર જામી ગયેલી લીલ નજરે પડે છે)

એટલું જ નહીં પણ પાણી દૂષિત થવાને કારણે પાણીમાંથી બદબૂ આવી રહી છે. સાથે સાથે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે ત્યારે આ તળાવનું જે દ્રશ્ય જોવા મળ્યું એને લઈને મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા ને રજૂઆત કરવા માટે જ્યારે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન કટ કરી નાખ્યો હતો.કારણ કે મેયરને પ્રજાના પ્રશ્નોના સમાધાનમાં નહિ બલ્કે રાજનીતિમાં પોતાનું સ્થાન સાચવી રાખવામાં વધારે રસ છે.

( તસવીરમાં લીલ યુક્ત પાણીની પાછળની બાજુ ઉભેલા લોકો નજરે પડે છે તેમજ પાણી ઉપર રહેલી લીલ અને ગંદકીના થર જોવા મળે છે)

બીજી બાજુ આ અંગે જ્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મેડમ શાલિની અગ્રવાલને આ અંગે જાણ કરવામાં આવી ત્યારે ગણતરીના સમયમાં જ કમિશનર મેડમે સંબંધિત અધિકારીને આ અંગે જરૂરી સૂચના અને આદેશો આપી દીધા હોવાનો કમીશ્નર મેડમ તરફ થી પ્રતિભાવ મળ્યો હતો. સુરત મ્યુનિસિપલ કમિશનર પ્રજાની સમસ્યાઓ નું સમાધાન કરવા હંમેશા આ જ રીતે સદૈવ અગ્રેસર રહે છે.

જોકે થોડા સમય પહેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના એક નગર સેવકે એવો બળાપો કાઢ્યો હતો કે કમિશનર મેડમ નગર સેવકોના ફોન ઉપાડતાં નથી. પણ હકીકત એ છે કે સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ મેડમ સામાન્ય જનતા ની ફરિયાદ પણ ખૂબ જ ગંભીરતાપૂર્વક સાંભળે છે અને તરત જ તેનો નિકાલ કરવા તમામ શક્ય પ્રયત્નો કરે છે.પરંતુ ભાજપના કેટલાક શાસકોની મનની મુરાદ પાર નહીં પડતી હોવાથી આવા શાસકો ખોટા અક્ષેપો કરતા હોય છે. સામાન્ય લોકો જ્યારે મેયરને ફોન કરીને ફરિયાદ કરવા માગતા હોય છે ત્યારે મેયર જાણે પ્રધાનમંત્રી કરતાં પણ વધારે વ્યસ્ત હોય એમ પોતાની જાતને સમજીને સામાન્ય લોકોના ફોન ઉપાડવાને બદલે તેને કટ કરી દેતાં હોય છે. ત્યારે કમિશનર સામે કાદવ ઉછાળનારા ભાજપના શાસકોએ પોતાના ઘરમાં જ ડોકિયું કરવાની તાતી જરૂર છે.