ગુજરાતમાં લવ મેરેજ એક્ટમાં સુધારો કરવા માંગ: 32 સમાજની સંયુક્ત આંદોલનની ચીમકી
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સુરતના પાસોદરા ખાતે લવ મેરેજને લઈને સર્વ સમાજની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એક કમિટીની રચના કરીને તમામ ધારાસભ્યો અને સાંસદોને રૂબરૂમાં મળીને લવ મેરેજના કાયદામાં સુધારા અંગે રજૂઆત કરવામાં આવશે.જો રજૂઆતનો નિકાલ નહીં આવે તો સરકાર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
સુરતમાં યોજાયેલ સર્વ સમાજની ચિંતન શિબિરમાં 32 જેટલા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં ચર્ચાઓ બાદ સરકાર સામે ચાર મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યાં છે. ગામમાં જ લગ્ન નોંધણી, પોલીસનું વેરિફિકેશન, તલાટીથી લઈ મામલતદાર સુધી ડોક્ટુમેન્ટના વેરિફિકેશન તથા લગ્ન માટે માતા પિતાની ફરજીયાત સહીની માંગ કરવામાં આવી છે. આ 32 સમાજના આગેવાનોએ સરકાર સમક્ષ રજૂ કરેલી માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ચિંતન શિબિરમાં કહેવામાં આવ્યું હતું કે, દીકરી લગ્ન કરે તેનો નહીં પણ માતા પિતાને જણાવ્યા વિના લગ્ન કરે છે તેનો વાંધો છે.
ખાસ કરીને વિધર્મીઓ દ્વારા હિન્દૂ યુવતીને લવ જેહાદ માં ફસાવી તેની સાથે ખીલવાડ કરવામાં આવતો હોવાના કિસ્સાઓ અટકાવવા માટે ચિંતન શિબિરનું આયોજન કરાયું હતું. સર્વ સમાજની યોજાયેલ ચિંતન શિબિરમાં રાજપૂત સમાજ,આહીર સમાજ,પાટીદાર સમાજ, પ્રજાપતિ સમાજ,આદિવાસી સમાજ સહિત વિવિધ 32 સમાજના અગ્રણીઓ રહ્યા હાજર હતા.