સુરત : VNSGU નો 54 મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : વીર કવિ નર્મદની ૧૯૦મી જન્મજયંતિનાં શુભ દિને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીનો ૫૪મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં શિક્ષણમંત્રી, મહાનુભાવોના હસ્તે ૫૯ પીએચ.ડી અને ૫ એમ.ફિલ પદવી ધારકો સહિત ૧૨ વિદ્યાશાખાના ૮૨ અભ્યાસક્રમોના ૩૧,૭૪૮ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈતરીય ઉપનિષદના શ્લોકગાન દ્વારા ભારતની પારંપરિક સંસ્કૃતિની ઝલક સાથેનો સમારોહનો ભવ્ય શુભારંભ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
દીક્ષાંત પ્રવચન કરતા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ‘સેવા એ જ શ્રમનું સાચું મૂલ્ય’ વિધાન થકી નવયુવાઓને ભારતીય પરંપરાથી અવગત થવા સાથે ઉચ્ચ શૈક્ષણિક પદવી પ્રાપ્ત કરી સમાજ અને દેશના હિતમાં સેવાકાર્ય કરવા પ્રેરિત કર્યા હતા. આ સંદર્ભે તેમણે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ ‘સ્વ’નો નહિં, પણ સર્વનો વિચાર કરે છે. અને એટલે જ આપણે પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ લોકોની સેવા અને સુખાકારી માટે કરવો જોઈએ.
દીક્ષાંત સમારોહનું મહાત્મ્ય સમજાવતા મંત્રીશ્રીએ ‘વિદ્યા વિનયથી શોભે’ કહેવતનું દ્રષ્ટાંત આપી વિદ્યાર્થીઓને વિનમ્ર અને વિવેકી બનવાની શીખ આપી હતી. તેમણે કહ્યું કે, માનવીયતાના અભિગમ સાથે મેળવેલું શિક્ષણ જ દેશની ઉન્નતિ-પ્રગતિનો પાયો છે. સાથે જ મહાવિદ્યાલયમાંથી ઉત્તીર્ણ થઈ પરિશ્રમી બની અર્થોપાર્જન સાથે પરિવારભાવનાને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉપસ્થિત નવયુવાનોને વ્યસનો અને સામાજિક દૂષણોથી અંતર રાખવા ભારપૂર્વક જણાવ્યું હતું.
રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધારવા નવી શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાલયો વિષે જાણકારી આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૧ની સરખામણીએ રાજ્ય સરકારે હાલ શાળાઓ-યુનિવર્સિટીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો કર્યો છે એમ જણાવી સૌએ એકજુથ થઈ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નિર્માણની દિશામાં આગળ વધવા આહ્વાન કર્યું હતું.
અનાદિકાળથી પ્રચલિત ભારતીય સંસ્કૃતિનો પરિચય આપતા સામાજિક કાર્યકર અને પદ્મશ્રી ગિરીશ પ્રભુણેએ પોતાના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, તક્ષશિલા અને નાલંદા જેવા પ્રાચીન ગુરૂકુળોએ સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિને ચોમેર ખ્યાતિ અપાવી હતી અને વિશ્વમાં જ્ઞાનનો પ્રકાશ પાથર્યો હતો. ભારત એ વેશભૂષા, ભાષા અને રિવાજોમાં વૈવિધ્યતાનો વારસો ધરાવે છે. તેમણે કહ્યુ કે, વિશ્વને મળેલા જ્ઞાનના અનેક સિધ્ધાંતોનો ઉલ્લેખ આદિ-અનાદિકાળ પહેલા ભારતના વિદ્ધનો દ્વારા રચાયેલા ગ્રંથોમાં હોવાથી ભારતની ભૂમિને જ્ઞાનની ધરતી ગણવામાં આવે છે.
વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેઓને શુભાશિષ પાઠવતા કુલપતિશ્રી ડો.કે.એન. ચાવડાએ ઉપસ્થિત યુવાધનને નવા પડકારો માટે સુસજ્જ રહેવા અને સમાજ, દેશહિતમાં કાર્ય કરવાનું સૂચન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજીને પરાવશ થવાની જગ્યાએ તેને ટૂલ બનાવી શ્રેષ્ઠ રાજ્ય અને રાષ્ટ્રનાં નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપવાની હિમાયત કરી હતી. યુનિવસિર્ટીએ પારદર્શી શિક્ષણ પ્રક્રિયા અને મેનેજમેન્ટથી શિક્ષણ જગતમાં આગવી ઓળખ ઉભી કરી હોવાનું ઉમેર્યું હતું.
આ પ્રસંગે યુનિ.ના રજિસ્ટ્રાર આર.સી.ગઢવી, એક્ઝામ કન્ટ્રોલર એ.વી.ધડુક, સેનેટ અને સિન્ડિકેટના સભ્યો, વિભાગીય વડાઓ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ સહિત દીક્ષાર્થી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.