બે ફિલ્મો પછી થલપતિ વિજય સિનેમાને અલવિદા કહેશે
Mnf network: તમિલ એક્ટર થલપતિ વિજયને પ્રભાસની જેમ પાન ઈન્ડિય સ્ટાર તરીકે ઓળખ મળી રહી છે. લીયો ફિલ્મની સફળતા બાદ દેશભરમાં વિજયને પ્રશંસકો મળ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા એક્ટર્સની યાદીમાં સ્થાન મેળવનારા થલપતિ વિજય પાસે સંખ્યાબંધ ઓફરો છે. જો કે વિજયે પોતાની કરિયરને ફિલ્મોના બદલે રાજકારણમાં આગળ ધપાવવાનું વિચાર્યું છે. બીજી ફેબ્રુઆરીએ વિજયે પોતાનો રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી છે.
થલપતિ વિજય પાસે હાલ બે ફિલ્મો છે. GOAT અને ટાઈટલ વગરની એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ બંને ફિલ્મોનું શૂટિંગ પૂરું થાય તે પહેલાં વિજયે તામિલનાડુના રાજકારણમાં ઝંપલાવવાનો નિર્ણય લીધો છે. રાજકીય પક્ષની જનરલ બોડીની મીટિંગ બાદ વિજયે સત્તાવાર રીતે રાજકારણમાં ઝુકાવવાની જાહેરાત કરી છે. તેમનો આ પક્ષ 2026ની વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે. થોડા સમય અગાઉ તામિલનાડુમાં આવેલા પૂર સમયે વિજયે ધોરણ-10 અને ધો-12ના પૂર પીડિત વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી અને તેમને મદદ કરી હતી. વિજયના આ પગલા બાદ તેમના રાજકીય પ્રવેશની અટકળો તેજ બની હતી.