ઊંઝા : તાલુકા ભાજપ પ્રમુખને માર પડ્યો, ધારાસભ્યએ આપ્યું ચોંકાવનારું નિવેદન

ઊંઝા : તાલુકા ભાજપ પ્રમુખને માર પડ્યો, ધારાસભ્યએ આપ્યું ચોંકાવનારું નિવેદન

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝામાં ભાજપના બે નેતાઓ વચ્ચે ઢીશુમ-ઢીશુમ થઈ હોવાની ઘટના સામે આવી છે. જેને લઈને ભાજપના એક નેતાએ બીજા નેતાની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોકે ભાજપના બે નેતાઓ વચ્ચે ઢીશુમ ઢીશુમ થઈ હોવાનો કિસ્સો સમગ્ર શહેરમાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. જેમાં પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ કરતા વાસ્તવિકતા કંઈક અલગ હોવાનું ચર્ચા રહ્યું છે.

પ્રાપ્ત પોલીસ ફરિયાદ ની વિગતો અનુસાર ઊંઝા તાલુકાના ઐઠોર ગામે ગઈકાલે યોજાયેલી ભાજપની મિટિંગમાં ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ લક્ષ્મણભાઈ માધવલાલ પટેલ ( એલ.એમ.પટેલ) ને દેવેન્દ્રકુમાર બાબુલાલ પટેલે બહાર બોલાવી અમારી વિરુદ્ધ પાર્ટીમાં ફરિયાદી શા માટે કરો છો એમ કહી લક્ષ્મણભાઈ પટેલ (એલ.એમ.પટેલ) ને ગાલ ઉપર બે તમાચા મારી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મળતી માહિતી મુજબ દેવેન્દ્ર કુમાર બાબુલાલ પટેલના ધર્મપત્ની મહેસાણા ભાજપના જિલ્લા સદસ્ય છે. દેવેન્દ્ર કુમાર બાબુલાલ પટેલ પાસેથી મળેલી વિગતો અનુસાર ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ એલ એમ પટેલે ત્રણ વર્ષ અગાઉ ૫૦ હજાર રૂપિયા ઉછીના લીધા હતા અને આ પૈસા પાછા આપવામાં તેઓ ઠાગાઠૈયા કરતા હતા. એટલું જ નહીં દેવેન્દ્ર પટેલના ફોન પણ તેમણે રિસીવ કર્યા ન હતા ત્યારે  છેવટે પૈસાની ઉઘરાણીને લઈને આ માથાકૂટ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે નોંધનીય છે કે એલ એમ પટેલે નોંધાવેલી ફરિયાદમાં ક્યાંક ને ક્યાંક પક્ષની ઇમેજને પણ ધક્કો પહોંચી શકે છે. પક્ષમાં અંદરો અંદર બધું જ સમસુતરું નથી. સંગઠનમાં જૂથવાદ છે તેવું પણ નોંધાયેલી આ ફરિયાદને આધારે ચર્ચા રહ્યું છે. જોકે ભાજપના જ બે નેતાઓ વચ્ચે થયેલી મારામારી અંગે ઊંઝા ભાજપના ધારાસભ્ય કે કે પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આ ઘટના એમનો વ્યક્તિગત મામલો છે પરંતુ આ વ્યક્તિગત મામલાને પાર્ટીના નામે ચડાવી દીધો એ યોગ્ય કર્યું નથી. પાર્ટી બંનેની સામે એક્શન લઈ શકે છે.