ગુજરાતની રાજનીતિમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલના આ ટ્વીટથી ગરમાવો, કાલે શુ થશે એના આપ્યા સંકેત

ગુજરાતની રાજનીતિમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલના આ ટ્વીટથી ગરમાવો, કાલે શુ થશે એના આપ્યા સંકેત

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : તાજેતરમાં ખોડલધામ ખાતે યોજાયેલી પાટીદાર સંગઠનના અગ્રણીઓની મિટિંગ બાદ ખોડલધામ નરેશ દ્વારા આમ આદમી પાર્ટીને લઇને આપવામાં આવેલા નિવેદન થી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ત્યાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ટ્વિટ કર્યું છે જેને લઇને ગુજરાતમાં સત્તાધારી પક્ષ ની ખુરશીના પાયા ડગમગવા લાગેે તો નવાઈ નહી !

આવતીકાલે એટલે કે 14 જૂનના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદ ખાતે આવી રહ્યા છે. ત્યારે એક દિવસ અગાઉ એટલે કે આજે 13 જુનના રોજ અરવિંદ કેજરીવાલ દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે, "હવે બદલાશે ગુજરાત. કાલે હું ગુજરાત આવી રહ્યો છું. ગુજરાતના બધા ભાઈ-બહેનને મળીશ".

અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે અમદાવાદમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં કેટલાક દિગ્ગજો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે. ત્યારે સૂત્રો મુજબ કેજરીવાલ સવારે 10.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે ત્યાંથી સીધા તેઓ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે જશે. જ્યાં કેટલાક નેતાઓ અને આમ આદમી પાર્ટીમાં જોડાનારા કાર્યકરો સાથે બેઠક કરી શકે છે. 11.30 વાગ્યે વલ્લભ સદન ખાતે પત્રકાર પરિષદ કરવામાં આવશે. જ્યાં આમ આદમી પાર્ટીમાં પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી અને બાકી 10 લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાય એવી શક્યતા છે. બપોરે નવરંગપુરા ખાતે આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. આવનારી 2022 ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને અરવિંદ કેજરીવાલની મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે તેમ જ આવનારી ચુંટણીઓમાં ગુજરાતની રાજનીતિમાં મોટા ફેરફારો આવી શકવાના સંકેતો જોવામાં  આવી રહ્યા છે.