લગ્ન ફોક થવા પાછળનું વિચિત્ર કારણ.....અને લગ્ન મંડમાં જ છોકરી તાડૂકી, " યે શાદી નહી હો શકતી "
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં સામાન્ય રીતે માત્ર છોકરાઓ કરતાં પણ છોકરીઓ અભ્યાસમાં ઘણી બધી આગળ વધી રહી છે. છોકરીઓ જીવનસાથી ની પસંદગી કરતી વખતે પણ સામેનું પાત્ર શિક્ષિત છે કે કેમ તેને જાણવાનો ખાસ પ્રયત્ન કરતી હોય છે. ત્યારે ઉત્તર પ્રદેશ માંથી એક એવો કિસ્સો આવ્યો છે જેમાં છોકરી ને સગાઈ દરમિયાન છોકરાના એજ્યુકેશન વિશે અંધારામાં રાખવામાં આવી હતી. ત્યારે લગ્ન દરમિયાન લગ્નમંડપમાં છોકરીને શંકા જતા છોકરા ને બે નો ઘડીયો બોલવાનું કહેતા છોકરાને ન આવડતા છેવટે લગ્ન ફોક થયા હોવાની ઘટના સામે આવી છે. જોકે આ કિસ્સો સાંપ્રત સમય માટે લાલબત્તી સમાન છે.
પ્રાપ્ત મીડિયા અહેવાલો મુજબ, ઉત્તર પ્રદેશના મહોબામાં મુરતિયાની શૈક્ષણિક લાયકાત છુપાવવાનું પરિણામ ગંભીર આવ્યું હતું. કન્યાને શંકા જતાં તેણે વરને બે એકા બેનો ઘડિયો બોલવાનું કહ્યું હતું. મુરતિયાને એ ન આવડ્યું એટલે કન્યાએ લગ્ન ફોક કર્યાં હતાં. અરેન્જ્ડ મૅરેજમાં સગાઈ પછી પણ મુરતિયાની શૈક્ષણિક લાયકાત અસ્પષ્ટ હતી. કન્યા પક્ષને શંકા હતી. કન્યાએ એ અસ્પષ્ટતા નિવારવા માટે લગ્નના દિવસે વરપક્ષ જાન લઈને મંડપમાં પહોંચ્યા પછી સામસામે હાર પહેરાવવાની વિધિ પૂર્વે પરીક્ષા લીધી હતી. કન્યાએ મુરતિયાને ‘બે એકા બે’નો ઘડિયો બોલવાનું કહ્યું. વર ગલ્લાંતલ્લાં કરવા માંડ્યો એટલે કન્યાએ જાહેરમાં કહી દીધું ‘યે શાદી નહીં હો સકતી.’
લગ્નમાં આવેલાં સગાં અને મહેમાનોને આંચકો લાગ્યો હતો, પરંતુ પ્રસંગ સાચવી લેવા કન્યાને સમજાવવા કહ્યું કે ‘આવું ન શોભે, વાત જવા દે હવે.’ સગાંસંબંધીઓએ સમજાવવાના ઘણા પ્રયાસ કર્યા, પરંતુ કન્યા ટસની મસ ન થઈ. તેણે મોટા અવાજે કહી દીધું કે ‘જે છોકરાની કોઈ શૈક્ષણિક લાયકાત ન હોય, ગણિતના સાદા દાખલા ન આવડતા હોય તેની સાથે આખું જીવન કેવી રીતે વિતાવી શકાય?’ કન્યાના પિતરાઈ ભાઈએ કહ્યું કે ‘મુરતિયાની શૈક્ષણિક લાયકાત વિશે તેના પરિવારે અમને અંધારામાં રાખ્યા હતા. એ કદાચ સ્કૂલમાં ન ગયો હોય એવું પણ બની શકે. વરપક્ષે અમને છેતર્યા છે.’ આ ઘટનામાં પોલીસે કેસ નોંધ્યો નથી. બન્ને પક્ષ લગ્ન નિમિત્તે વહેવારરૂપે એકબીજાને આપેલી ભેટો-ઘરેણાં વગેરે પાછાં આપી દેવા સંમત થયા હતા.