સુરત : SMC કમિશ્નર શાલીની અગ્રવાલના આ નિર્ણયથી તિજોરી છલકાઈ : 5 મહિનામાં 500 કરોડની આવક
પાલિકામાં છેલ્લા 20 દિવસમાં વિકાસ પરવાનગીના 45 બાંધકામ પ્રોજેકટોની ફાઇલને પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે મંજૂરી આપી છે, જેને લઇ પેઇડ FSI પેટે પાલિકાને 50 કરોડથી વધુની આવક થઇ છે.
ચાલુ નાણાકીય વર્ષના 5 મહિનામાં જ પેઇડ FSIની આવક 500 કરોડને પાર થઇ ગઇ છે. એપ્રિલમાં નવી જંત્રી લાગુ થનાર હોવાથી 15 એપ્રિલ પહેલા જુની જંત્રીના ભાવે પ્રોજેકટો મંજૂર કરવા પડાપડી થતાં પાલિકાને માત્ર 15 દિવસમાં જ પેઇડ FSI પેટે 200 કરોડથી વધુની આવક થઇ હતી.
નાણાકીય વર્ષ 2023-24માં પાલિકાએ પેઇડ FSI પેટે 650 કરોડની આવકનો અંદાજ હતો. જેની સામે હાલમાં 503 કરોડની આવક સાથે 77 ટકા ટાર્ગેટ હાંસલ થઇગયો છે. નાણાંકીય વર્ષના અંત સુધીમાં પેઇડ એફએસઆઇની આવકનો આંકડો 900થી 1000 કરોડને આંબી જાય તેવી શક્યતાઓ છે.