ઊંઝા શહેર બની રહ્યું છે અસામાજિક તત્વોનો અડ્ડો ! કાયદો વ્યવસ્થા કથળી

ઊંઝા  શહેર બની રહ્યું છે અસામાજિક તત્વોનો અડ્ડો ! કાયદો વ્યવસ્થા કથળી

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) :  ઉત્તર ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર ગણાતું ઊંઝા એ ઐતિહાસિક અને ધાર્મિક શહેર છે. ઊંઝા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થા કથળી છે.અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી જેની પાછળ ઊંઝા પોલીસ અને ભાજપના પ્રજાપ્રતિનિધિ ની નિષ્ક્રિયતા જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

થોડા દિવસ પહેલાં જ લોક દરબારમાં કાયદો અને વ્યવસ્થા ની કથળતી સ્થિતિ ને લઈ સવાલો ઉઠ્યા હતા. ત્યાં ગઈકાલે સાંજે જ જાહેરમાં ઊંઝામાં છરીઓ ઉછળી હોવાની ઘટનાએ નગરજનો ને ભાજપના નેતૃત્વમાં અસલામત ઊંઝાનો અહેસાસ કરાવી દીધો છે.

ધારાસભ્યના નવીન કાર્યાલયના ઉદ્ઘાટન પૂર્વેની જ રાત્રે ઊંઝામાં જાહેરમાં છરીઓ ઉછળવાની ઘટના ને લઈ શહેરના લોકોમાં ખૌફ નો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત ઘટનાની વિગતો મુજબ ઊંઝા ફૂલકું નાળા પાસે આવેલ જીગર પાવભાજી ની દુકાન પર સાંજે નવ વાગ્યા આસપાસ મંચ્યુરીયન લઈ પૈસા ન આપવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં રાહુલ ગીરીશભાઈ કુલ કિંમત 300 રૂપિયા નો મંચ્યુરિયનનો ઓર્ડર આપી પૈસા નહિ ચૂકવતા રોહિત રાજબલી જાદવ સાથે બબાલ કરેલ તે દરમ્યાન વિશાલ સેધાભાઈએ આવી ચપ્પુ વડે હુમલો કરતાં રોહિત જાદવને ભારે ઇજાઓ પહોંચાડી હતી.

જો કે જે દિવસે ધારાસભ્યએ લોક દરબાર ભર્યો હતો એ જ દિવસે એ જ સમયે ગાંધીચોકમાં પણ મારામારીની ઘટના બની હતી. વળી શહેરમાં આવનાર ચોરીની ઘટનાઓ તો બનતી જ રહેતી હોય છે . આમ દિવસે દિવસે ઊંઝા અસામાજિક તત્વો નો અડ્ડો બની રહ્યું છે, ત્યારે કોણ જાણે કેમ પોલીસ દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે ? જો આમને આમ ચાલ્યા કરશે તો 'સલામત ગુજરાત ' નો દાવો કરનાર ભાજપના નેતૃત્વમાં ઊંઝા અસલામત બની જશે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.