રાજકારણ ગરમાયુ : સુરતમાં ભાજપ દ્વારા ઇન્જેક્શન વિતરણ વચ્ચે CM રૂપાણીના આ નિવેદનથી સી.આર.પાટીલ સહિત ભાજપના નેતાઓ ચોકી જશે !
મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : ગઈકાલે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને આરોગ્યમંત્રી કુમાર કાનાણી દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. તે દરમિયાન લોકોએ ઇન્જેક્શન નહીં મળતા હોવાની હૈયા વરાળ નેતાઓ સામે ઠાલવી હતી ત્યારે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે એવી જાહેરાત કરી હતી કે સુરત ભાજપ દ્વારા જે દર્દીઓને ખરા અર્થમાં જરૂરિયાત હશે તેમને રેમડેસીવર ઇન્જેક્શન વિનામૂલ્યે આપવામાં આવશે. ત્યારે આજે સુરત ઉધના ખાતેના ભાજપ કાર્યાલય થી રેમડેસીવર ઇન્જેક્શન નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૯૦૦ જેટલા ઇન્જેક્શન લોકોને વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.
જો કે એક બાજુ ઇન્જેક્શન ની અછત હોવાની બુમરાડો ઊઠી હતી ત્યારે મોટો સવાલ એ થયો કે ભાજપ કાર્યાલય માં ઇન્જેક્શન આવ્યા ક્યાંથી ? તેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીને મીડિયા દ્વારા સવાલ પૂછવામાં આવ્યા હતા. જેનો જવાબ આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ ઇંજેક્શન ક્યાંથી આવ્યા તે તમે સી.આર.પાટીલ ને જઈને પૂછો. સરકારે ઇન્જેકશન આપ્યા નથી. જોકે વિજય રૂપાણીએ આપેલા જવાબ ને લઈને અનેક સવાલો ઉઠયા છે. ક્યાંક ને ક્યાંક પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી વચ્ચે સંકલનનો અભાવ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જોકે ભાજપ દ્વારા જે ઇન્જેક્શન નું વિતરણ કરવામાં આવ્યું છે એ દર્દીઓ માટે એક સંજીવની સાબિત થઈ રહ્યા છે.
વધુમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સીઆર પાટીલે સુરત ની ચિંતા કરીને ઇન્જેકશનની વ્યવસ્થા કરી છે. એ કેવી રીતે કરી છે એ સી.આર.પાટીલ ને જ પૂછવું જોઈએ. સરકારે બિલકુલ અલગ વ્યવસ્થા કરી છે. સરકારે ભાજપને ઇન્જેકશન આપ્યા નથી. જોકે સરકાર દ્વારા કિરણ હોસ્પિટલ ને જરૂરી ઇન્જેક્શન પુરા પાડવામાં મદદ કરવામાં આવી છે. ભાજપ કાર્યાલય ખાતેથી જ ઇન્જેક્શનની વિતરણ વ્યવસ્થા થઈ રહી છે તેને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ સવાલ ખડો કરાયો છે કે એક બાજુ ઇન્જેક્શન મળતા નથી ત્યાં ભાજપ કાર્યાલયમાં ઇન્જેક્શન આવ્યા ક્યાંથી અને કેવી રીતે ? કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો છે કે ભાજપે રસીકરણ ઉપર પણ રાજકારણ કર્યું છે. ભાજપને ઇન્જેક્શન વેચવાની પરવાનગી કોણે આપી? આમ અનેક સવાલો ખડા થયા છે ત્યારે દર્દીઓ માટે આ ઇંજેક્શન સંજીવની સાબિત થઈ રહ્યા છે