સરકારની બેદરકારી : ગુજરાતમાં ખાનગી શાળાના શિક્ષકો અને વાલીઓની સ્થિતિ દયનીય : AAP આવ્યું મેદાનમાં

સરકારની બેદરકારી :  ગુજરાતમાં ખાનગી શાળાના શિક્ષકો અને વાલીઓની સ્થિતિ દયનીય : AAP આવ્યું મેદાનમાં

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :   પ્રાઈવેટ શાળાઓમાં શિક્ષણ-ફી ઘટાડવા બાબતે, શિક્ષણ-ફી સિવાયની અન્ય કોઈ પણ ફી વાલીઓ પાસેથી ન વસૂલવા બાબતે તેમજ શિક્ષકોનું શોષણ બંધ કરવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા શાળા સંચાલક મંડળને આવેદનપત્ર અપાયું.

ગુજરાત સહિત સમગ્ર દેશના વાલીઓ હવે થાક્યા છે.

સૌ જાણે છે કે આપણો દેશ આજે કોરોના મહામારીના ભયંકર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. આ મહામારીને કારણે અસંખ્ય પરિવારો નિરાધાર બન્યા છે તેમજ એનાથી પણ વધુ પરિવારો આર્થિક રીતે તારાજ થયા છે. નોટબંધી અને GST ને કારણે પહેલેથી જ નબળા પડેલાં ધંધા-રોજગારો માર્ચ-૨૦૨૦ પછી તો લગભગ બંધ જ થઈ ગયા છે. આ સંજોગોમાં સામાન્ય માણસને ખાવા-પીવાના પણ ફાંફા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

આવા સમયે શૈક્ષણિક કાર્ય બંધ હોવા છતાંય વાલીઓ પાસેથી ફી ઉઘરાવવી એ એકદમ અનૈતિક અને અમાનવીય કૃત્ય છે. સૌ જાણે છે કે માર્ચ-૨૦૨૦ પછી શાળાઓ એકદમ બંધ જ છે એટલે શાળાને લાગતો વિજળી બિલ, સાફ-સફાઈ, સ્ટેશનરી, ટ્રાન્સપોર્ટેશન, ચા-પાણી, વગેરે જેવો ઘસારા ખર્ચ પણ નથી લાગી રહ્યો. વોચમેન, પટ્ટાવાળા, સફાઈકર્મીઓને તો નોકરીએથી છુટ્ટા જ કરી દેવામાં આવ્યા છે. સૌથી દયનીય હાલત હોય તો શિક્ષકોની છે. સામાન્ય સંજોગોમાં પણ ખાનગી શાળાના શિક્ષકોનો પગાર ઓછો જ હોય છે, એમાંય આ મહામારી બાદ તો શિક્ષકોને પગાર ચૂકવાયા જ નથી અને ચૂકવાયા છે તો એકદમ નહીવત. આ રીતે, શાળાના મોટાભાગના ખર્ચ બંધ હોવા છતાંય વાલીઓ પાસેથી પુરેપુરી ફી માંગવી એ તો અન્યાય જ છે.

શાળા એ વેપાર કરવાનું સ્થળ જ નથી પણ જો વેપારની દ્રષ્ટિએ પણ વિચારીએ તો વેપાર એ સુવિધા અને નાણાંનો વિનીમય જ હોય છે, સુવિધા નહીં તો નાણાં નહીં એ વેપારનું સીધું ગણિત છે. કોઈ પણ પરિસ્થિતિમાં દુકાન બંધ રહી હોય તો પણ એના પૈસા ગ્રાહક પાસેથી વસૂલવાના હોય જ નહીં.

બાળકોને શાળામાં એ માટે મુકવામાં આવે છે કે એ સારું શિક્ષણ મેળવીને સારો માનવ બને. સારો માનવ એટલે સુખદુઃખમાં એકબીજાની પડખે ઉભો રહે એવો નીતિવાન માનવ. સારો માનવ એટલે બીજાની પીડાને સમજે એવો સંવેદનશીલ માનવ. આવા સમયે એ જ શાળા જો આવી અનૈતિક અને અમાનવીય પ્રવૃત્તિઓ કરે તો બાળકોને આપણે શું શીખવીશું ?

આપણે એમ પણ નથી કહેતાં કે શાળા-સંચાલકો નુકસાન ભોગવે પણ આખું વિશ્વ જયારે પીડામાં હોય ત્યારે સુવિધાઓ આપ્યા વિના પણ નફો રળવો એ તો એકદમ અનૈતિક જ છે. વળી, વાલીઓને હેરાન કરવા કરતાં શાળા-સંચાલકો આ પૈસાની માંગણી નિભાવ-ખર્ચ રૂપે સરકાર પાસે પણ કરી જ શકે છે.

આપણી માંગણી છે કે ફીમાં કોઈ પણ પ્રકારનો વધારો તો ન જ કરવામાં આવે અને માર્ચ-૨૦૨૦થી લઈને જ્યાં સુધી શાળાઓ શરુ ન થાય ત્યાં સુધી ફક્ત ૫૦% શિક્ષણ-ફી જ લેવામાં આવે. શિક્ષણ ફી સિવાયની અન્ય કોઈ પણ ફી તો વસુલવામાં જ ન આવે તેમજ શિક્ષકોનું શોષણ બંધ કરવામાં આવે.