ઊંઝા : ધારાસભ્ય ઊંઘતા રહ્યા અને પૂર્વ કોર્પોરેટરે ખેડૂતો માટે ઉઠાવ્યો અવાજ ! કેન્દ્રીય મંત્રી પાસે કરી માંગ

ઊંઝા : ધારાસભ્ય ઊંઘતા રહ્યા અને પૂર્વ કોર્પોરેટરે ખેડૂતો માટે ઉઠાવ્યો અવાજ ! કેન્દ્રીય મંત્રી પાસે કરી માંગ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ઊંઝા ના ધારાસભ્ય ની નિષ્ક્રિયતાને પરિણામે આ વિસ્તારના લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.એમાંય ખાસ કરીને ખેડૂતો માટે કપરા દિવસો શરૂ થયા છે કારણ કે પાક માટે જરૂરી યુરિયા ખાતરની ઊંઝા પંથકમાં ભારે અછત ને લઇ પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને લેખિત રજૂઆત કરી છે.

ખરેખર જે કામ ધારાસભ્ય એ કરવું જોઈએ એ કામ એક પૂર્વ કોર્પોરેટર કરી રહ્યા છે ત્યારે ખેડૂતો માં પણ ધારાસભ્યની નિષ્ક્રિયતા સામે ભારે નારાજગી પ્રવર્તી રહી છે.સૌથી આશ્ચર્યની વાત એ છે કે ખેડૂતોની વેદના ન સમજી શકનાર ધારાસભ્ય અને તેમના મળતિયાઓ ખેડૂતોની સૌથી મોટી સંસ્થા ઊંઝા APMC માં શાસન કરવાના દિવાસ્વપ્ન જોઈ રહ્યા છે.

ભાવેશ પટેલે તેમની રજૂઆતમાં જણાવ્યું છે કે, વર્તમાન પરિસ્થિતિમાં સરકારી ખાતર ડેપોમાં યુરિયા ખાતરની ફાળવણી ન થવાને કારણે ખેડૂતો વાવણી માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પરિણામે તેઓ બજારમાંથી મોંઘા ભાવે ખાતર ખરીદવા મજબૂર બન્યા છે, જે તેમની આર્થિક સ્થિતિ પર નોંધપાત્ર બોજ બની રહ્યું છે.

તેમણે ઉમેર્યું છે કે વાવણીની સીઝન દરમિયાન યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કથળે નહીં તે માટે તાત્કાલિક ધોરણે યુરિયા ખાતરની ફાળવણી કરવામાં આવે. આ સમસ્યાના નિરાકરણ માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી ત્વરિત પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.